એવું બને
પુષ્પનાં ભારે નમે એવું બને.
ડાળ સાથે તો રમે એવું બને,
સ્પંદનો જાગે પછી હરખાય ને,
કોઈ ઓચિંતું ગમે એવું બને,
શિલ્પ બનવા ટાંકણાનાં માર ને,
આજ ઈશ્વર પણ ખમે એવું બને.
જાત ભૂલી આજ માનવ થાય તો,
એક ભાણે ત્યાં જમે એવું બને.
લાગ મળતા નાસવાની વાત છે
સાથ આપ્યો ને તમે? એવું બને?
વેર મનમાં રોજ વધતું જાય ત્યાં
પ્રેમ આપીએ શમે એવું બને?
રોજ વગડામાં અહીં ભટક્યા કરે,
આજ ઘર છોડી ભમે એવું બને.©
ગાલગાગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ