બુફેનું ચટાકેદાર, મધમીઠું
*મેનુ - અષ્ટક*
----------------
( શાર્દૂલવિક્રિડિત છંદમાં )
લીધી પ્લેટ સફેદ નેપકિન ને કાંટા અને વાડકી,
ઊભો લાઈનમાં વિચાર કરતો છે ભૂખ લાગી ઘણી.
મારી જીભલડી હવે સળવળે, ખાસ્સી દુઃખે પાવડી,
એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં, કુર્યાત્ સદા મંગલમ્
વારો આખર આવિયો મુજ તણો, કેવી હવે હાશ રે,
ઊનો સૂપ અને કબાબ લઈને આરંભિયે ચાટને.
ઝાઝા વેશ સલાડના અવનવા, લ્યો સેવપૂરીય છે,
એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં, કુર્યાત્ સદા મંગલમ્
ઢોંસા ને ઈડલી, વડાં રસમ ત્યાં આલુ પરોઠાં, દહીં,
પાસ્તા, સોસ, પિઝા, ઈટાલિયન ને સ્પેગેટી ટોળે વળી.
ને મેક્સિકન વાનગી ચટપટી ખાજો તમે પ્રેમથી,
એવા સ્વાદભર્યા જમણ જ્યાં, કુર્યાત્ સદા મંગલમ્
પંજાબી ઢબ શાક, થાઈ પણ છે, એ કોપરાની કરી,
પૂરી, નાન, વિશેષ બ્રેડ, કુલચા, રોટી રૂમાલી રૂડી.
ખાજો પેટિસ, ઘૂઘરાં રસિકડાં, છે પાતરા, ખાંડવી,
એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં, કુર્યાત્ સદા મંગલમ્
ચાલો ઊંધિયું ખાઈએ, સૂરતની સ્વાદિષ્ટ એ વાનગી,
શી મીઠાશ, કતારગામ કુમળી, લીલી, રૂડી પાપડી.
માંહી વેગણ કંદ ને શકરિયાં, કેળાં, બટાકાં વળી,
એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં, કુર્યાત્ સદા મંગલમ્
બાસુંદી, હલવો, શિરો વિવિધશા, શી ફોજ મિષ્ટાન્નની,
કુલ્ફી, કેક, ગુલાબજાંબુ, રબડી, સાથે જલેબી ખરી.
ને પીજો તમ જ્યૂસ ખૂબ નવલાં, કેવાં ફળો છે અહીં,
એવા સ્વાદભર્યા જમણ જ્યાં, કુર્યાત્ સદા મંગલમ્
ત્યાં તો આવત પૂછવા ય યુવતી ' આરોગશો પાન કે ? '
ના, ના, બાનુ ! હવે ન ભૂખ અમને, ' તો દૂધ લો કેસરી'
સોપારી, મુખવાસ, પાન મધુરાં, ધાણા તણી દાળ શી,
એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં, કુર્યાત્ સદા મંગલમ્
--- *---
રચનાકાર : શ્રી સ્નેહલ મુઝુમદાર