વર્લ્ડ સ્પેસ વીકની શરૂઆત થઈ ગઈ છે જે દર વર્ષે ૪ ઓક્ટોબરથી ૧૦ ઓક્ટોબર સુધી મનાવવામાં આવે છે, આ વીકને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૬ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ એક ઉત્સવ તરીકે મનાવવાનું નક્કી કર્યું હતું!
આ તારીખોની વચ્ચે સ્પેસ વીક મનાવવાનું પણ એક કારણ છે! ૪ ઓક્ટોબર ૧૯૫૭ના રોજ પ્રથમ માનવ નિર્મિત ઉપગ્રહ "સ્પુતનિક-૧"નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું જ્યારે ૧૦ ઓક્ટોબર ૧૯૬૭ના રોજ બાહ્ય અંતરિક્ષ સંધિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં!
આ સપ્તાહને મનાવવાનો મુખ્ય ઉદ્દેશ બાળકોથી માંડીને દરેક વ્યક્તિને સ્પેસ રિસર્ચ, સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડવાનો છે અને જાગરૂકતા ફેલાવવાનો અને વિજ્ઞાનની ઉપલબ્ધિઓને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે!
આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેમ કે, આકાશ દર્શન, વિવિધ પ્રોજેક્ટ્સ બનાવવા, વિવિધ ટોપિક ઉપર વ્યાખ્યાનો યોજવા વગેરે..
ઓક્ટોબર મહિનો ખગોળ વિજ્ઞાનીઓ માટે અને જેઓને ખગોળ વિજ્ઞાનમાં રસ છે તેઓ માટે ખાસ છે! આ મહિના દરમિયાન આકાશમાં રાત્રે બે ગ્રહો જોવા મળશે જેમાં પૂર્વ દિશા તરફ ગુરુ(જ્યુપિટર) જે વધુ તેજસ્વી દેખાશે જ્યારે દક્ષિણ દિશા તરફ શનિ ગ્રહ જે ઓછો તેજસ્વી દેખાશે! જ્યારે ૧૪ ઓક્ટોબરના રોજ સૂર્ય ગ્રહણ અને ૨૮ ઓક્ટોબરના રોજ ચંદ્ર ગ્રહણ જોવા મળશે!
-નીલકંઠ