લાડકી
--------
આસિફ પટેલ-અલ્પેશ શાહ નિર્મિત, ચિત્રક શાહ અને કિરણ માલવણકર પ્રસ્તુત, ધર્મેશ વ્યાસ દિગ્દર્શિત અને ગુજરાતી રંગભૂમિના જાજરમાન કલાકાર પ્રતાપ સચદેવ અને ગઝલ રાય અભિનીત આ નાટક જોવાનું અહોભાગ્ય ધ્વનિ ગ્રુપ વલસાડ લાઈફ લાઈનના સર્વેસર્વા શ્રી કલ્પેશ દેસાઈ, નિશા દેસાઈ અને ધ્વનિ દેસાઈના આયોજન હેઠળ માણવા મળ્યું. બજારમાં ભલે ગમે એવી મંદી આવે, પણ ધ્વનિ ગ્રુપ દ્વારા આવતાં નાટકો જોવાનું ચૂકી જવાય તો એનો અફસોસ જીરવાતો નથી. નાટકનું નામ જ એવું કે 'લાડકી' નામ વાંચીને ચેતનાઓ ઝણઝણવા માંડે. એમાં પ્રતાપ સચદેવ જેવાં કર્મઠ કલાકારોનો અભિનય હોય પછી તો હૈયું હાથમાં નહિ રહે. કુટુંબ સાથે ભેળા બેસીને માણવા જેવા આ નાટકની ખૂબી એ હતી કે એમાં સામાજિક સંદેશ સંવેદના વેદના કરુણા હાસ્ય અને ચોટદાર સંવેદનાની ભરમાર હતી. પિતા પુત્રીની વાતો આમ તો જગજાણીતી છે. પણ નાટકમાં કથાવસ્તુને જે રીતે વણી લેવામાં આવી તે અદભુત અને બેનમૂન છે. દીકરીના દર્દથી વેદના સંવેદનાની વાત તો છે જ પણ દીકરી થકી બાપની તાકાત વધી જાય એ આ નાટકની ખૂબી છે. પ્રેમના બદલાતા સમીકરણોમાં એક વિદ્વાન ડોક્ટર પિતાનો આવતો અંજામ કલાઇમેક્ષ બની જાય છે. દીકરીના દર્દથી પહાડ જેટલો ભાર લઈને ચાલતો પિતા કેવો વિવશ બની જાય છે એનું તાદ્દશ ચિત્ર આ નાટકમાં છે. છેવટ સુધી ખબર છે કે અંજામ તો સુખદ આવવાનો છે છતાં દીકરીના સુખ માટે પિતા જેવું ગમતું પાત્ર છીનવાય જાય ત્યારે અણધારેલો અંજામ આવે એ આ નાટકની પરિપક્વતા છે.
એક કાબેલ લેખક તરીકે શ્રી વિલોપન દેસાઈ દ્વારા આ આખોય નાટક શિષ્ટ અને સંસ્કારી ભાષામાં લખાયાનો આનંદ પણ ચોક્કસ વ્યક્ત કરી શકાય.
વલસાડને નાટ્યઘેલું બનાવનાર ધ્વનિ ગ્રુપનો જરૂર આભાર માનવો પડે કે આપણને તેમના થકી આવાં ઉચ્ચકોટીના નાટકો માણવા મળે છે.
રસમંજન