ક્યાં સુધી રમતમાં રાજનીતિ થતી રહેશે ??
ભારતીય કુશ્તી સંઘનાં પ્રમુખ તરીકે બૃજભૂષણ શરણસિંહનાં સાથી સંજયસિંહની જીત સાથે જ શુભેચ્છાઓ અને ફૂલોની માળા બૃજભૂષણને પહેરાવવામાં આવી રહ્યાં છે. તેનાં પરથી જ ખ્યાલ આવી જાય છે કે, છેલ્લા એક દાયકાથી કુશ્તી સંઘની ધૂરા સંભાળનાર અને મહિલા રેસલરોએ જેની પર ગંભીર આરોપો લગાવ્યાં છે એવા બૃજભૂષણ પાસે જ કુશ્તી સંઘની કમાન રહેશે. જેની પર એફ.આઈ.આર. નોંધાવવા માટે રેસલરોને ધરણા કરવાં પડ્યા હતાં અને અંતે હાઈકોર્ટની ખલેલ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી એવાં બાહુબલી સાંસદ સામે ' પૂર્ણ બહુમતવાળી સરકાર ' પણ કોઈ એક્શન લેવા પાંગળી દેખાતી હતી.
બૃજભૂષણ સામે ધાક-ધમકી, હત્યા, હુલ્લડ, અપહરણ જેવા 38 જેટલાં ગંભીર આરોપો લાગેલા છે એવાં વ્યક્તિનાં હાથમાં દેશની પ્રતિષ્ઠિત કુશ્તી સંસ્થા રહે તે ખૂબ જ ગંભીર બાબત છે. નવી સંસદમાં વિરોધ કરવા બદલ અને પોતાનાં વિચારો રજૂ કરવા પર જનતાનાં પ્રતિનિધિ એવાં 146 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે બૃજભૂષણને હજુ સુધી સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી. સરકાર આવાં વ્યક્તિને છાવરીને શું સાબિત કરવાં માંગે છે ?
રેસલરોએ મહિલા અધ્યક્ષ બનાવવા માટે પૂરી તાકાત લગાવી હતી પરંતુ બૃજભૂષણ જૂથનો વ્યક્તિ જીતી જતા તેમને હવે ન્યાયની આશા રહી નથી. પ્રેસ કોન્ફરન્સમાં ઓલિમ્પિક ચેમ્પિયન તેમજ દેશને અનેક વાર ગૌરવ અપાવનાર દીકરી સાક્ષી મલિક રડી પડી અને ટેબલ પર રેસલિંગ શૂઝ મૂકીને કુશ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ઓલિમ્પિક ચેમ્પિયન બજરંગ પુનિયાએ સન્માનનીય પદક પદ્મશ્રી પ્રધાનમંત્રી આવાસ બહાર મૂકીને પરત કર્યો હતો. તેમજ બૃજભૂષણનાં નજીકનાં સાથીને ચૂંટણી મેદાનમાં નહીં ઉતારવાનું વચન ન પાળવાનો સરકાર પર આરોપ લગાવ્યો છે.
એક તરફ સરકાર ઓલિમ્પિકની યજમાની મેળવવાનાં પ્રયાસો કરી રહી છે અને બીજી બાજુ દેશનાં રેસલરો પ્રત્યે જ આવો ઘોર અન્યાય થઈ રહ્યો છે. સરકાર ક્યાં સુધી ચૂપ રહેશે ? સરકારે દેશનાં દરેક સામાન્ય માણસનો અવાજ સાંભળવો પડશે. સરકારે સમજવું પડશે કે, ફક્ત નવી ઈમારત બાંધવાથી વિશ્વની સૌથી મોટી લોકશાહીનું રક્ષણ થઈ જતું નથી !!
લેખક - બાદલ સોલંકી
Instagram Id - @baavlo_chhoro