*ઓલી છોકરી તને યાદ છે?*
મોંઘી મહેલાત મૂકી મારે ફળિયે આવી છલકાતી
ઓલી છોકરી તને યાદ છે?
કોયલડીના ટહુકા ભૂલાવતી એવી મલક મલકાતી
ઓલી છોકરી તને યાદ છે?
મૂખડું એનું જોતા જ હૈયે આનંદની હેલી ઉભરાતી
ઓલી છોકરી તને યાદ છે?
રમત રમતમાં ઘર ઘર રમાડી, સમણાં દેખાડી થાતી રાતી,
ઓલી છોકરી તને યાદ છે?
મોસમનો પહેલો વરસાદ લઈ ભીંજવી સંગ એ ભીંજાતી
ઓલી છોકરી તને યાદ છે?
વીજળીના કડાકે ડરીને એતો સોડમાં આવી કઈ લપાતી,
ઓલી છોકરી તને યાદ છે?
આંખ્યુમાં આંજી સાગરની મસ્તી એ હસતી હસાવતી
ઓલી છોકરી તને યાદ છે?
હસતાં હસતાં એતો રિસાઈને વાતે વાતે પલપલીયાં પાડતી.
ઓલી છોકરી તને યાદ છે?
આજ ક્યાં શોધું એને? આવું છું કહીને અધૂરી રમતે ભાગી'તી,
ઓલી છોકરી તને યાદ છે?
છબી એની યાદોમાં સાચવી રાખી, હૈયે વાત એની જ ચાલી'તી.
ઓલી છોકરી તને યાદ છે?©
"કાજલ"
કિરણ પિયુષ શાહ