શિસ્ત અત્યાચાર નથી, તે અત્યાચારથી બચવાનો રસ્તો છે. ઘણા લોકો તેને જાત પર જુલમ કહે છે, પરંતુ જાતને પંપાળવી તે અસલી જુલમ છે કારણ કે તમે તેને ભાવિ નુકશાન માટે તૈયાર કરી રહ્યા છો. આપણે શિસ્ત અને સંયમનું એટલે કરીએ છીએ કારણ કે આપણે જાતને પ્રેમ કરીએ છીએખુદની કદર કરીએ છીએ અને આપણે જે કરીએ છીએ તેનું સન્માન કરીએ છીએ. ભરપૂર રીતે જીવન જીવવું એટલે ખૂબ ખાવું, ખૂબ પીવું, ખૂબ મજા કરવી, ખૂબ ભોગ ભોગવવા એવું નહિ. ઓછું કરવું, સંયમથી કરવું પણ ખૂબ ગહેરાઈથી કરવું તે અસલી મજા છે. જીવનની મજા પહોળી નહીં, ઊંડી હોવી જોઈએ.જે વ્યક્તિ જાતને પ્રેમ ના કરતી હોય તે જ અશિસ્ત અને અસંયમિત જીવનમાં પહોળી થઈને જીવે. જે પ્રેમ કરે છે તે ચીજોની ગહેરાઈમાં ઉતરે. એ અર્થમાં, શિસ્ત બંધન નથી પણ સ્વતંત્રતા છે. તે આપણે ઘણી બધી નકામી, હાનિકારક બાબતોથી મુક્તિ અપાવે છે, અને ઉપયોગી, સાર્થક બાબતોની મજા લેવાની આઝાદી આપે છે.