પ્રેમની પરિપૂર્ણતા
ખોળામાં માથું નાખી સુતેલા અખિલ ને અંતરાએ પૂછ્યું કે અલ્યા તું આમ ને આમ કેટલો ટાઇમ મને જોયા કરીશ. તેણે કહ્યું કે શું કરું તું છેજ એવી કે તને જોઈને મન ભરાતું નથી. અને વધુ વાંક તો તારી આ આંખોનો છે જે એક વાર કોઈ યાત્રાએ લઇ જાય તો સકલ વિશ્વની મુલાકાત લઈ ના લઇ ત્યાં સુધી ચેન ના પડે અને જાય ત્યારે મોહ તો એવો લગાડે કે જાણે ચાલુ ગાડીયે મોબાઈલમાં વાત કરતા હોય એવું લાગે.
બસ કર હવે!! હોઠ પર આંગળી રાખીને રોકતા કહ્યું કે તારે તો બસ મોકો મળ્યો કે મારા વખાણ કરવાનું ચાલુ......
થોડી વાર ચુપકીદી સેવાઇ ગઈ અને અંતરાને પરિસ્થિતિ નો તાગ મળી ગયો કે અખિલ મને કૈક કહેવા માગે છે એટલે તેણે તેને હગ કરતા કહ્યું કે તારી કોઈ છેલ્લી ઈચ્છા પૂછે તો તું શું કહે? અને હા!!છેલ્લી ઈચ્છા ની વાત એટલે એના મુખ પર આવી કેમકે તેઓને હમણાં જ એક અઠવાડિયા પહેલા એક ડોક્ટરે કહ્યું કે સુધીરને કેન્સર છે પણ શરીર નું ધ્યાન રાખવાથી તેને ઘણો ફેર રહેશે અને કદાચ લાંબુ પણ જીવી જાશે.
ઊંડો શ્વાસ લઈ બોલ્યો કે તારી જોડે વર્લ્ડ ટુર કરું અને તને એટલું સંભારણાં નું ભાથું આપું કે કદાચ હું ન હોવ તો પણ મારી યાદો તને પૂરતી મળી રહે. જાને હવે..... ક્યાંય જો ગયોને તો તારી ખેર નથી તારું ખૂન કરી નાખીશ.
પણ એય અખીલ્યાં કેને વાત ફેરવ નહીં.ઓકે ઓકે તો સાંભળ હું જતા જતા કોઈને જિંદગી આપવા માગું છું, પ્રેમ આપવા માગું છું, અને એથી વિશેષ પણ કંઈક થાય તો એ બેસ્ટ. અંતરાને એનો જવાબ ખૂબ ગમ્યો અને મનોમન આદર થવા લાગ્યો.લગ્નના 3 વર્ષ બાદ પણ તું મને કેટલો પ્રેમ કરે, તને ખબર ??? આપણી સોસાયટીની બહેનો મને ન્યુલી મેરિડ કપલ કહીને ખીજવી રહી છે...
તારા સઘળા પ્રશ્નોનો મારો એકજ જવાબ છે અને રહેશે!!! કે એલી તું છે જ એવી. પણ હા વાત-વાતમાં ભુલાય ગયું કે આપણે સંતાન વિશે કોઈ દિવસ વીચાર્યુ નથી પણ જો તને વાંધો ના હોયતો એક સંતાન હું દત્તક લેવા ઈચ્છું છું.વાતને સન્માનવા અંતરાએ તેને જોરદાર કિસ કરી લીધી અને બોલી કે હું જે વિચારતી હતી એ વાત તે કહી દીધી.અખિલ આઈ લવ યુ સો મચ........!!! એક નહીં અખિલ બે સંતાન દત્તક લેશું બસ!! અને તું સહમત હો તો આપણે પણ પોતાનું સંતાન નથી કરવું કેમકે એમના ઉછેરમાં કોઈ કચાસ ના રહે.
બે શ્રીમંત માણસોની વિચારધારા એટલી જોરદાર હતી કે એક જ્યાંથી વિચારવાનું શરૂ કરે ત્યાંથી બીજું આગળ જ હોય , સામ્યતા તો હોય જ એમાં શંકાને કોઈ સ્થાન નથી.એમની વાતો રૂબરૂ સાંભળતા ઇર્ષ્યા જ ઉદ્દભવે કેમકે સારા માણસોનો સાથ પણ જીવનમાં મંજિલ સુધી પહોંચવામા ખૂબ મદદ કરે, એ વાતનો અહેસાસ થાય.
તેમણે એક દીકરો અને એક દીકરી દત્તક લીધી અને એમનો ઉછેર ખૂબ પ્રેમથી શરૂ કર્યો. એ બાળકો જોત જોતામાં મોટા થવા લાગ્યા અને 10 વર્ષ પસાર થઈ ગયા.તેઓ સમજણા હતા ત્યારે દત્તક લીધા હતા પણ છતાંય હવે યાદ પણ નહીં આવતું હોય કે તેમના માતા પિતા કોઈ બીજા છે.અને સાથોસાથ તેમને એવી ટેવ પણ પાડી દીધી કે કોઈ જીવનમાં ના હોયતો જીવનમાં હતાશ, દુઃખી કે જીવન થંભી જતું નથી. એમને અખિલ ક્યારે છોડી જતો રહેશે એ વાત કદાચ જણાવવી ન હતી અને એ યોગ્ય પણ હતું.
10 વર્ષ બસમયની થપાટ લાગી અને અખિલને હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો.પણ ઘણી વાર સમય પણ ભાગ ભજવી લે છે, તે હોસ્પિટલમાં હતો ત્યારેજ એક બીજા સમાચાર મળ્યા કે તમારી દીકરીની બેય કિડની ફેઇલ છે. વાત સાંભળતાં જ અખિલ અને અંતરાના હોશ ઉડી ગયા.પગ નીચેથી જમીન સરકવા લાગી અને હવે શું કરવું એ વિચાર સતાવવા લાગ્યો.
ફિકર વધતી હતી એનું કારણ એ હતું કે ડોકટરે એની કિડની આપવા યોગ્ય ન જણાવી અને અંતરાને એ કહેવા માંગતો ન હતો એનું કારણ તો માત્ર એની અને અંતરા વચ્ચે જ હતું.
વાત જાણે એમ બની કે અખિલ ચિંતામાં જ વધુ બીમાર પડ્યો અને એનો છેલ્લો સમય આવી ગયો. તેણે બધાને બોલાવ્યા અને કહ્યું કે મારા પ્રેમમાં કચાશ રહી ગઈ હોયતો માફ કરશો.ત્યાં જ રૂમ ધ્રુશકા ભરેલા રુદન થી ગુંજી ઉઠ્યો. બે દિવસમાં આ ફેમિલીએ એટલો મોહ લગાડી દીધો કે ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફ પણ છાનો રહેતો નથી. અખિલ વગર અંતરા પણ જીવી ના શકે એ વાતની જાણ ત્યારે થઇ જ્યારે અંતરાએ પણ એક કલાકમાં પ્રાણ ત્યજી દીધા.અને આટલો ભયંકર ઝાટકો કોઈ સ્વીકારી શકતું ન હતું.
અખિલના બેડ નીચેથી અખિલના મૃત્યુ પહેલા લખેલા અંતરાએ મુકેલ એક ચિઠ્ઠી એમના દીકરાના હાથ આવી અને વાંચી તો એમાં કૈક આવું લખેલું હતું.
વ્હાલા દીકરા દીકરી,
મને ખબર છે કે અમારા બેય વગર જીવવું તમારા બેય માટે ખૂબ અઘરું છે પણ આના વગર કોઈ છૂટકો નથી.અમારા ઉછેરમા કદાચ તમને હિમ્મત અને સમજદારી પૂરતી મળી જ હશે કેમકે અમારો પ્રયત્ન એવોજ હતો.તમારા પપ્પાને કેન્સર હતું એટલે એમની પાસે જ સમય ન હોવાથી એ આપણને સમય ન આપી શક્યા. વાત રહી મારી વિદાયની તો તમારા પપ્પા વગર મારુ પણ જીવવું ખૂબ મૂશ્કેલ હતું એ વાત હું ડોક્ટરને જણાવવા ગઈ ત્યારે એમણે મને દીકરીની કિડની ફેઈલ છે એવા સમાચાર આપ્યા.થોડી વાર બાદ સ્વસ્થ થયા બાદ મેં એમને કીધું કે જો અખિલને કાઈ થઈ જાયતો તમારી પાસે એક કલાક હશે મારી કિડનીના ટ્રાન્સપ્લાન્ટ માટે. આ સમયમાં તમે મારી દીકરીને કીડની આપી દેજો. એક કલાક એટલે કેમકે નાછૂટકે મારે એક કલાક રોકાવું પડે કારણ એક માઁ ની જવાબદારી પણ મારાથી કેમ ચૂકાય??? બાકી અખિલ હવે દુનિયામાં નથી એવા સમાચારમાત્રથી જ મારું મૃત્યુ નીપજે.
મેં તો મારી નજર સામે એનું મોત જોયું તો હું કેમ એક કલાક જીવી એ મારું મન જાણે છે.મને જીવનમાં કોઈ રંજ નથી તમારા પપ્પાની ઈચ્છા હતી કે ,
'હું જતા જતા કોઈને જિંદગી આપવા માગું છું, પ્રેમ આપવા માગું છું, અને એથી વિશેષ પણ કંઈક થાય તો એ બેસ્ટ. '
બે કામ તો તે કરતા ગયા અને વાત રહી બેસ્ટની તો એ અધૂરી વાત હું પુરી કરી દઉ છું. હું માત્ર એક કિડની સાથેજ જીવતી હતી આથી તારા પપ્પા મને દીકરીને કિડની આપવા બાબતે કઇ કહી ન શકતા હતા પણ એ વાત હું મનોમન જાણતી હતી.અને નક્કી પણ કર્યું હતું કે કામ તો થસે જ વહાલા!! બસ મને યોગ્ય સમય મળે એની રાહ હતી.આમેય તમારા પપ્પા વગરની મારી દુનિયા અકલ્પનિય હતી તો થયું કે જતા જતા મોતની પણ સાર્થકતા નીવડે તો કેવું સારું!!! અને દીકરીને જીવનદાન મળે એ અલગથી.....
એક છેલ્લી વાત, અમારા પ્રેમમાં કોઈ કચાસ રહી ગઈ હોયતો માફ કરશો....
પત્ર વાંચ્યા બાદ એ બંનેની વિચારધારામા રહેલી સામ્યતા, દિશાસૂચન, અને જીવનપથિક કેવા સરસ હોય એ અંગે ઘણા વિચારોના પડઘા ગુંજતા રહ્યા...... અને સમગ્ર હોસ્પિટલમાં લાંબો સમય ચુપકીદી છવાઇ ગઈ.