વાંચન લેખન સંગીત સાંભળવું

અઘરી વાત છે

રાખ ચોળી જીવવું એ છેક અઘરી વાત છે.
સાથ છોડી પાળવું એ છેક અઘરી વાત છે.

થાળમાં એ સજાવી જીત તમને પીરસી,
હાર માની ભાગવું એ છેક અઘરી વાત છે.

ભીતરી પીડા હવે મનમાં જ ધરબી રાખજો.
મન છુપાવી થોભવું એ છેક અઘરી વાત છે.

બાળપણની એ નિખાલસ ભાવના કેવી હતી.
ને અહીં અપનાવવું એ છેક અઘરી વાત છે.

એ સળી નાનકડી કરી આઘા ખસી જાશે પછી,
વાત જુદી તારવું એ છેક અઘરી વાત છે.

આઈનાની વાત માની આજ પડદો પાડવા,
જાત ખોલી ઢાકવું એ છેક અઘરી વાત છે.

આંખમાં પણ સાચવી રાખી હતી એ છબી,
ઓળખીને ભૂલવું એ છેક અઘરી વાત છે.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Read More

આળસ ન કર

માનવ હવે તો જાગને આળસ ન કર,
આ મોહ માયા ત્યાગને આળસ ન કર.

મૂકી અહીં જાવું પડે સઘળું અહીં,
ઈશ્વર ભજી ત્યાં માંગને આળસ ન કર.

સાચાં સગાંને ઓળખી દ્વારે આવજે,
કે કોણ તારું તાગને, આળસ ન કર.

પાપોનાં પડછાયા અહીં ધેરી વળે,
શરણે હરિનાં ભાગને, આળસ ન કર .

ફેરા ફરી થાકી ગયો ભગવાન છું,
ધોયા નથી ત્યાં દાગને, આળસ ન કર.

આત્માનો કર ઉધ્ધાર સાચો તું હવે,
મ્હેકી જશે મન બાગને, આળસ ન કર..

પરભવ સારું ભાથું હવે બાંધી લેજે,
માયા મેલી એ રાગને, આળસ ન કર.©
ગાગાલગા ગાગાલગા ગાગાલગા

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Read More

વેદના..

શાંતિનો ભંગ કરતો એનો અવાજ
તેના આવવાની ચાડી ખાતો...
આપો તો ખાય
આપો તો પહેરે..
બાકી નિજાનંનમાં મસ્ત
શાન ભાન ભૂલી..
નિરર્થક ક્રિયાઓ કરતો
હવામાં વાતો..
અચાનક રડવું...
કે
ખડખડાટ હસવું..
ભૂખ તરસની દુઃખથી અજાણ
પથ્થર હોય કે ફૂલ
હસતો રહેતો...
ન જાણે કેટલી વેદના પચાવી
હળાહળ પી પહોંચ્યો અહીં...

ક્યારેક એની વાતો સાંભળી લાગતું.
શાન એની નહીં
પણ
આ માનવ જગતે ગુમાવી
ગાંડપણની જેમ
શાણપણ પણ વેદનાનો જ પરિચય...
પીડાઓ ચરચરાટ
ને
સમાજના બંધનની વિવશતા...
મન કહે.. એની સાથે અદલાબદલી
બની જાઉં સુખિયો...©

કાજલ
કિરણ પિયુષ શાહ

Read More

*ઓલી છોકરી તને યાદ છે?*

મોંઘી મહેલાત મૂકી મારે ફળિયે આવી છલકાતી
ઓલી છોકરી તને યાદ છે?
કોયલડીના ટહુકા ભૂલાવતી એવી મલક મલકાતી
ઓલી છોકરી તને યાદ છે?

મૂખડું એનું જોતા જ હૈયે આનંદની હેલી ઉભરાતી
ઓલી છોકરી તને યાદ છે?
રમત રમતમાં ઘર ઘર રમાડી, સમણાં દેખાડી થાતી રાતી,
ઓલી છોકરી તને યાદ છે?

મોસમનો પહેલો વરસાદ લઈ ભીંજવી સંગ એ ભીંજાતી
ઓલી છોકરી તને યાદ છે?
વીજળીના કડાકે ડરીને એતો સોડમાં આવી કઈ લપાતી,
ઓલી છોકરી તને યાદ છે?

આંખ્યુમાં આંજી સાગરની મસ્તી એ હસતી હસાવતી
ઓલી છોકરી તને યાદ છે?
હસતાં હસતાં એતો રિસાઈને વાતે વાતે પલપલીયાં પાડતી.
ઓલી છોકરી તને યાદ છે?

આજ ક્યાં શોધું એને? આવું છું કહીને અધૂરી રમતે ભાગી'તી,
ઓલી છોકરી તને યાદ છે?
છબી એની યાદોમાં સાચવી રાખી, હૈયે વાત એની જ ચાલી'તી.
ઓલી છોકરી તને યાદ છે?©

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Read More

હોય તો કહો.

થાતા પ્રણય સતત એ કળ્યું હોય તો કહો.
દિલમાં પછી વધારે બળ્યું હોય તો કહો.

વાણીમાં એમની ઘણી મીઠાશ અનુભવી,
એ બોલથી વધારે ગળ્યું હોય તો કહો.

દુઃખ થાય સાંભળી ઘણું, કરજો મદદ હવે,
મનથી કરી પ્રયાસ દળ્યું હોય તો કહો.

ઈશ્વર બની શકાય, એમાં સુખ મળે ઘણું,
વરદાન માંગવામાં છળ્યું હોય તો કહો.

જોતાં હતા હતાશ થઈ રાહ તો ઘણી,
રસ્તે કદી કંઈક મળ્યું હોય તો કહો.

પૈસા અપાર છે ખબર એની પડી હતી
પણ ફદિયું તમેય રળ્યું હોય તો કહો.

સંધ્યા સમય સુધીજ દિવસ ગણાય ને?
તો મોત પણ કદીક ટળ્યું હોય તો કહો.©
ગાગાલગા લગાલગા ગાગાલ ગાલગા

કાજલ
કિરણ પિયુષ શાહ

Read More

*બદલાવ......*

બદલાવ છે તો જિંદગી છે
પણ...
અચાનક કારણનો બદલાવ...
કયારેક ખૂબ મૂંઝવણ વધારે
ગોઠવાયેલ જિંદગી..
માખણ જેવી મુલાયમતા ગુમાવી
રોલર કોસ્ટર બની
મજા ..સજા બનાવી દે..
એવાં જ એક બદલાવે
વેર વિખેર ટુકડા સમેટતાં
અસ્તિત્વ જ જોખમાયું
તન મન પર સમયના ચાસ
આંખો તો જાણે ભમ્મરિયો કુવો
હૃદય પર અનેક ઘા
પણ ....
ગૃહિણીધર્મ...
નિભાવવો જ રહ્યો
ઈંટ સિમેન્ટના મકાનને
ઘર બનાવવા
ઘરને મંદિર બનાવવા
જાતને સમયની ચક્કીમાં પીસતી
સંજોગોને હિંમતથી બદલતી
અડીખમ ઊભેલ
પણ... જયારે..
શું કર્યું ...શું નવાઈ કરીનાં વ્યંગબાણો
હૃદયધાત સાથે
મિટ્ટીની મૂરતને પથ્થર કરી....©

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Read More

એ ઘર ને હું

બળતું હતું કશુંક હ્રદયમાં એ ઘર ને હું,
દ્વારે ઊભું કદીક અલગથી નજર ને હું.

ખાલી પછી કરીને થયા જયાં અલગ અલગ,
સાથે હતા ફરજને સમજવા ડગર ને હું.

વાચી શકે વિચાર અહીંતો, કલમ મળે,
મળશે પછી કિતાબ કહાણી નગર ને હું.

બાગી બની કરીશ બગાવત હરી ફરી,
મળશે પછી જ સ્થાન અદાથી, કબર ને હું.

ફૂલો નથી ગુલાબ સરીખા, ગમે બધાં,
આપે પછી ટગરની ખબર, બેઅસર ને હું. ©
ગાગા લગા લગાલ લગાગા લગા લગા

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Read More

આપના આવ્યા પછી

ઉપકારી મન થયું છે આપના આવ્યા પછી.
પ્રેમનું સ્પંદન થયું છે આપના આવ્યા પછી.

આવકારી દ્વાર પર ઊભા હતાં ત્યાં બારણે,
આંગણું પાવન થયું છે આપના આવ્યા પછી.

ફૂલ આજે મહેકશે એ બાગના સઘળાં અહીં,
દિલ હવે ઉપવન થયું છે આપના આવ્યા પછી.

હાથ સોપ્યો એમનાં વિશ્વાસ પર એક વારમાં ,
એ મનો મંથન થયું છે આપના આવ્યા પછી.

લાગણીનું આજ વાવેતર કરીશું આંખમાં,
પ્રેમનું સિંચન થયું છે આપના આવ્યા પછી.

એજ સંવાદો અહીંયા ગુંજતા રે'શે અહીં,
સ્નેહનું સ્થંભન થયું છે આપના આવ્યા પછી.

સાવ કોરી પાટી જેવું મન હતું મારું અને,
નામનું લેખન થયું છે આપના આવ્યા પછી.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Read More

ઈશ્વર મળે

પ્રાર્થના કરતાં કદી ઈશ્વર મળે,
કે નસીબે એમનાં પથ્થર મળે.

શૂરવીરો માંડ સૂતા, શાંતિ રાખ,
રોજ રસ્તામાં પછી બખ્તર મળે.

રોજ લટકામાં નવી આફત હતી,
સાથ મળતાં ત્યાં ખુશી સધ્ધર મળે.

આજ તાબોટાથી થાકી એ ગયો,
જાત છુપાવી છતાં કિન્નર મળે.

રોજ આંટા કેટલા માર્યા અહીં,
કેમ ગણવા એ કહો, ઉત્તર મળે?

ગોળ કે ચોરસ હવે જુઓ ફરક,
ભાત નોખી થાય ત્યાં નક્કર મળે.

ચાલવાનું દોડવાનું રોજ ને,
ત્યાં પગે વાગ્યું અને ચક્કર મળે.©
ગાલગાગા ગાલગાગા ગાલગા

"કાજલ"
કિરણ પિયુષ શાહ

Read More

આ પણ વિતી જશે...

નિર્મળ
શાંત સ્થિર જળ
એક કાંકરીચાળો ઊઠતા વમળો...
મન પણ એવું જ
શાંત મનમાં
શંકા, અવિશ્વાસ લાવે
પીડા ને દુઃખ પારાવાર
જળનાં વમળો થોડીવારમાં શાંત
ઠરેલ
જાણે કશું જ નથી થયું...
તો
મનનો ગુરુમંત્ર
કશું જ શાશ્વત નથી
આ સમય પણ વિતી જશે
મનમાં ઊઠતા વમળો
થશે સ્થિર
સ્થિરતા પ્રગતિ લાવશે
શાંતિ આપશે...
તો

આ પણ વિતી જશે...
વિશ્વાસ છે ને?©

કાજલ
કિરણ પિયુષ શાહ

Read More