મોર્નિંગ મ્યુસિંગ્સ:
ઘણા લોકો માનતા હોય છે કે સફળતા ઉત્તમ વિચારો (આઇડિયા)માંથી આવે છે. એવું નથી. સફળતા એ વિચારોને ઉત્તમ રીતે વ્યવહારમાં લાવવાથી આવે છે વિચાર ગમે તેટલો ઉત્તમ હોય, વ્યક્તિ જો ઉત્તમ ન હોય તો તે વિચાર નિરર્થક છે. દુનિયામાં દરેકની પાસે વિચારો હોય છે. એમના ઘણા વિચારો સાચ્ચે જ અદ્દભુત હોય છે. લાખો લોકો વિચારનો આધાર લઈને તેમનો વ્યવસાય-રોજગાર ઉભો કરે છે. એમાંથી અમુક જ સફળ થાય છે અને બાકીના નિષ્ફળ જાય છે. સમસ્યા વિચારની નહોતી, સમસ્યા વ્યક્તિ તરીકે તેમની અંદર હતી. વિચારને ઉત્તમ ત્યારે જ કહેવાય જ્યારે તેનું એક્શન ઉત્તમ હોય.
એક માતાના બે દીકરા છે. એક ઇષ્ટ, બીજો અનિષ્ટ. વાર્તા તરીકે શ્રેષ્ઠ વિચાર છે! નવો પણ નથી. સદીઓ પહેલાં 'મહાભારત' તેના પરથી રચાયું હતું. સલીમ-જાવેદે વિચાર 'ચોરી' લીધો અને એક ઉત્તમ ફિલ્મ 'દિવાર' ફિલ્મ બનાવી. આવી અનેક ફિલ્મોનો ધબડકો પણ થયો છે. વિચાર નહીં, તેનું એક્ઝિક્યુશન ઉત્તમ હતું.