#Shivratri
સ્કન્દપુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આકાશ સ્વયં લિંગ છે, વાસ્તવમાં શિવલિંગ એ આપણા બ્રહ્માંડની આકૃતિ છે. જે શિવમય વાતાવરણની ધુરા (axis) છે. શિવલિંગનો એક અર્થ અનંત પણ થાય છે કે જેનો આદિ, અંત અને મધ્ય પણ ના હોય. જે અંતથી રહિત હોય તે અનંત અને ના જેની કોઈ શરૂઆત હોય એ અનંત. બ્રહ્માંડમાં બે જ ચીજો હોય છે, ઉર્જા અને પદાર્થ. આપણું શરીર પદાર્થથી નિર્મિત છે, આત્મા ઉર્જા નિર્મિત છે. આ રીતે શિવ પદાર્થ અને શક્તિ ઉર્જાનું પ્રતીક છે. આ બન્નેનું મિલન થવાથી એ શિવલિંગ બને છે. મનમાં તો એ શંકા જરૂર થતી હશે કે શિવ અને પાર્વતી, શિવ અને શક્તિ, પ્રકૃતિ અને પુરુષ. આ બંન્નેનુ મિલન એટલે જ શિવલિંગ. પણ આ તો એવી જ વાત થઈને કે જે આપણા મનમાં ઠસાવવામાં આવ્યું હોય. પણ એવું નથી અને એ સાચું પણ નથી જ. આ સત્યને સાબિત કરવા માટે આપણે “યોનિ ” શબ્દનો અર્થ પણ જાણી લેવો અત્યંત આવશ્યક છે.
મનુષ્ય યોની, પ્રકૃતિ યોનિ, ઝાડપાનની યોનિ, જીવજંતુંઓની યોનિ. યોનિ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે કે જીવ પોતાનાં કર્મ પ્રમાણે જે જન્મ પામે છે એને યોનિ કહેવાય. સંકૃતમાં મનુષ્ય યોની એક જ છે. એમાં પુરુષ અને સ્ત્રી યોનિનો કોઈજ પ્રકારનો ભેદભાવ નથી. તાત્પર્યાર્થ એ કે પુરુષ યોનિ અલગ નથી કે સ્ત્રી યોનિ પણ અલગ નથી. પ્રકૃતિ એ સ્ત્રીનું પ્રતીક છે. આ બન્ને જ્યારે મળે ત્યાંરે એક જ યોનિ પ્રાપ્ત કરે છે. શિવ અને શક્તિ શિવલિંગ બનાવતી વખતે મળ્યાં નહોતાં પણ એક યોનિનું નિર્માણ કર્યું અને એ આપણા માટે પૂજનીય બની. અને આમાંથી જ શિવલિંગ બન્યું પણ એ બન્યું કઈ રીતે ? તો આપણા પ્રાચીન ઋષિમુનિઓએ કે જેઓ જ્ઞાન વિજ્ઞાનની ઊંડી સમજ ધરાવતા હતા તેમણે શિવલિંગને એક આકાર આપ્યો. આ વાત પણ સ્કન્દપુરાણમાં કરવામાં આવી છે.