💙મર્દાની
-@nugami
"અરે, ઓરી આવતી રે ' કામ વગર હુ કરવા પલળસ."
સવારે નોકરી જવા ગાડીની રાહ જોઈને ઊભી હતી. ધીમી ધારે વરસાદ આવતો હતો.
જ્યાં ઊભી હતી ત્યાં એક નાનકડું કેબિન હતું. એની પાછળ બાજુમાં એક ઝુંપડું વાળેલું,ત્યાંથી એક દાદીનો અવાજ આવ્યો.
મેં પાછું વળીને જોયું.
મેં "હા" ભરી.
ને હું એમની પાસે ગઈ.
વાતો કરવામાં તો આપણો નંબર આવે.
મેં વાત ચાલુ કરી, "દાદી, તમે કેટલા વાગે આવો અને આ કેબીન ખોલો?"
"હું ક્યાં જાઉં, તે આવવાનું હોય? આજ મારુ ઘર ને આજ મારુ કેબીન."
"શું વાત કરો દાદી, તમેં અઈ એકલા ર્યો,આ રોડ પર?"
"૩૫ વરહથી એકલી"
"પણ કેમ દાદી? ઘરમાં બીજા કોઈની હાજરી નથી? "
" બચા, હું પંદર વરહની હતીને મને પૈણાઈ, પછી મારે એક દીકરો આયો ને વાંહે એક દીકરી. દીકરો અઢી વરહનો થ્યો, ને દીકરી ૨ મહિનાની, ને એના બાપાને અટક આયુને ભગવનને ધોમ જાતા'ર્યા. "
"પછી?"
"વાંહે શું હોય, મારી કંઈ ઉંમર નો'તી, આતો નાની ઉંમરમાં છોરા આવી ગ્યા. વાંહે મારા સસરા તો ન'તા. પણ સાસુ જીવતા, તે મને કીધું કે," હવે મારો દીકરો નથી તો તારું સુ કામ,તું તારે તારું ઠકાણું જાતે ગોતી લે, હું પૂરું નઈ કરું."
તે ત્યાંથી હું મારા છોકરાઓ લઇ હાલતી થઇ, વાંહે પેટ રળવા મન કાઠું કરી ભાઈની મદદથી આઈ કેબિન કરીને જ્યમ ત્યમ કરી છોરાં મોટા કર્યા."
"પછી?"
"વાંહે શું હોય, ભગવાનને હું જરીકે રાજી રઉં એ પોહાતું નઈ, તે મારો ૨૫ વરહનો જુવાનજોધ દીકરો હેમરેજ થયુંને મરી ગ્યો. અને દીકરી તો એના ઘેર છે. એને હખ નથી."
" અને દાદી તમે ઘર લીધું હતું કે નઈ? "
"લીધી 'તી ને એક નાનકી રૂમ, પણ દીકરીના લગનનાં ખર્ચા માટે વેચી દીધી, હવે ખાલી હું છું અને આ મારી કેબિન. આખુય આ પાલનપુર મારી નજર હોમે વશ્યું સે, આઈ તો પેલા જંગલ હતું, જાડે જાડ હતા, આતો હવે બધી જાકજામાળ ઉભી થઇ છે."
"દાદી, આટલી હિંમત ક્યાંથી આવી?"
"જો બચા, જીવવા માટે બધું જ કરવું પડે, અને વટથી જીવવા બધું જ જીરવુંય પડે. ખોટા રસ્તે ઘણાં પૈસા મળે, પણ હાચા રસ્તે તો કોકરા આવવાના અને લાગવાનાય.
કુદરત જે દિ' બતાડે એ વટથી જોવાના, અડીખમ થઈને જોવાના. એ જીવન આપવા વાળો તો, આપણે જીવવા વાળા.
તુંય આ થેલો લઈને એકલી દૂર છોરાઓ ભણાવવા જાય સે ને? કમાવા જાય સે ને? તારેય કેટલા દુઃખ હસે પણ તોય તું હસતી રે'સે ને,તો તને ક્યાંથી હિમ્મત મળે?"
મારી પાસે જવાબ નહોતો. પણ એટલું નક્કી હતું કે, હિમ્મત ભીતરથી જ આવે છે.
"દાદી, એક ફોટો લઉં? "
" હા, લે આજ હુધી આ ડોસીને કોઈ એ પૂછ્યું નથી કે ફોટો લઉં, પેલી વારનો ફોટો પડાવું, આમ હરખો પાડજે. "
"હા, દાદી. બઉ રુપાળા લાગો, પણ તમારી હિમ્મત વધારે ઉજળી લાગે તમારાથી."💙
-@nugami.