આ મેઘ વરસ્યો ખાંડાધાર,
જાણે અંતર વરસ્યું અનરાધાર,
મન મોર બની કરે થનગનાટ,
ચાતક આંસુ સારે ચોધાર.
આ મેઘધનુષ મનમોહક ૨ચાયું,
રૂડાં સપ્તરંગે અર્ધગોળાકાર ,
વિરહી હૈયાં તો વધુ વલોવાયાં ,
ને વેદના વણસી પારાવાર .
આ ક્યાંક રોમાંચ વળી ક્યાંક સુવાસ છે,
ક્યાંક મોગરાનો પમરે પમરાટ,
ઓઢવા વનરાજી ખીલી આ ધરા,
સુણી શ્યામવાદળનાં ગડગડાટ.
આ ભીની માટીની મંદ મંદ સૌરભ,
ભરે તનમનમાં ભીનો તરવરાટ,
સૂકાં વૃક્ષો ને વ્યાકુળ ખગનાં,
પંડમાં ઉગે નવીન સરવરાટ.
આ બાળ, કાગળની હોડી તરાવી,
નેવે નહાતાં કરે છબકાર,
ત્રમ ત્રમ તમરાંનાં ગણગણાટ સાથે,
છે દેડકાંનો લયબદ્ધ રણકાર.
આ જગતનો તાત પણ હરખે ફુલાણો,
ને ઓવાર્યો જીવન આધાર,
પામ્યો ઘણા ઉષ્મા ને ઉમંગથી,
ચોમેર આ મેહૂલો આવકાર.
હેતલ પટેલ ( નિજાનંદી)