The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
" હૈયા કેરી વાત " હૈયા કેરી વાત ના ધરબી રાખશો દિલ મહીં. કરો ચર્ચા મિત્રો, થોડી કહી થોડી અનકહી. બની જશે નાસુર દબાવી રાખશો દિલ મહીં. થાશે અફસોસ પછી, સમો જાશે જો વહી. દિલાસો મળશે, કાં તો મળશે સલાહ જરૂર, હરેક સમસ્યાનો સચોટ ઉકેલ મળશે અહીં. ખોલી નાખજો દિલ, મિત્રો આગળ બેધડક, હર એક સવાલ માટે મિત્ર જ છે ઉત્તરવહી. ખોલવું પડે દિલ અગર જો ઓજારથી "વ્યોમ" ત્યારે કહેતા નહીં કે, મિત્રને કેમ કશું કહ્યું નહીં? ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર.
..." બાપની પડછાઈ " માથા પરથી એવી રીતે બાપની પડછાઈ ગઈ; જાણે કે ખીલેલા ફૂલની જ ડાળી કરમાઈ ગઈ; વાત તો હતી ફકત પેટનો ખાડો પૂરવા પૂરતી જ, હાથ લંબાવ્યો બાળકે વાત ગામમાં ચર્ચાઈ ગઈ; કોઈ તો કહો કે આ ગરીબીનું હવે કરવું પણ શું? ચુંદડી સરકી ફાટેલી ને એ જગમાં વગોવાઈ ગઈ; ન્હાતો રહ્યો એક બાપ સદા મહેનતના પરસેવાથી, કપાતર સંતાન પાકતાં એની મહેનત વેડફાઈ ગઈ; ના જાણે આ જમાનો ક્યાં આવીને ઊભો રહેશે, લાજ ગઈ, શરમ ગઈ, સભ્યતા ગઈ ને સાદાઈ ગઈ; કહેવી હોય કોઈ વાત તો કહેવી કઈ રીતે? "વ્યોમ" ના કહેલી એ વાત પણ દિવાલને સંભળાઈ ગઈ; ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર.
..." શરૂઆત વસંતની " નજરથી નજરની વાત થઈ રહી છે; લાગે છે વસંતની શરૂઆત થઈ રહી છે; હું, તું અને ફક્ત આ હરીયાળા રસ્તા, ન જાણે કેવી મુલાકાત થઈ રહી છે? ઝાકળે ભરી લીધો આલિંગનમાં સૂર્યને, એટલે સવાર સવારમાં રાત થઈ રહી છે; દિલનું ધડકવું ને પછી ધડકન ચૂકી જવું, શું દિલને મહેસૂસ કોઈ ઘાત થઈ રહી છે? આવી છે ઋત મહોબ્બત કરવાની "વ્યોમ" ગઝલ દ્વારા પ્રેમની રજુઆત થઈ રહી છે; નામ:- ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર.
..." ફુલોથી રૂબરૂ કરું " આરજુ છે કે તને ફુલોથી રૂબરૂ કરું; ફોરમની સંગાથે થોડીક ગુફતેગું કરું; પાનખરમાંય મહેકી ઊઠે છે કેશ તો, આજ વસંતની જરા જુસ્તેજુ કરું; સ્પર્શી તારા તનને, પવન થયો માદક! હું પણ મારા મનને થોડું બહેકતું કરું; ચાંદ સિતારા પણ થયાં દિવાના તારા, તો, હુંય આ દિલને તારું દિવાનું કરું; "વ્યોમ" ક્ષિતિજ પર મળે કે ન મળે, તું આવ પાસે, દિલથી દિલ ઢુકડું કરું; નામ:- ✍...વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર.
...." પધરામણી વસંતની "* ગુંજી રહ્યું છે હૃદયમાં એવું તો મધુકરનું ગુંજન; પતંગિયાંએ ભરી લીધું છે આલિંગનમાં સુમન; શીતળતાની મહેક સાથે સાથે મંદ મંદ ગતિથી! રાગ કોઈ છેડી રહ્યો છે, આજ વાસંતી પવન; પ્રભાતે ચોમેર છવાતું ધુમ્મસ પણ એવું લાગે છે, જાણે કે ધરતીને મળવા ઉતરી આવ્યું છે ગગન; સવારે પડતી શબનમે પણ એવાં સજાવ્યા સાજ, કે ચમકી રહ્યું છે કિરણોથી હિરા જડિત ઉપવન; લાગી રહ્યું છે થઈ રહી છે પધરામણી વસંતની, હરખાઈ રહ્યું છે મન ને "વ્યોમ" નાચી ઊઠ્યું તન; નામ:- ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર.
....." વણ-લખેલો પ્રેમપત્ર " હાથ લાગ્યો આજ વણ-લખેલો પ્રેમપત્ર; સુવર્ણમય જઝબાતોથી જડેલો પ્રેમપત્ર; ન અક્ષર, ન કોઈ શબ્દ ઠલાવાયેલા છતાં, મનનાં અરમાનોથી આલેખાયેલો પ્રેમપત્ર; નજરથી નજરનું મળવું ને ધબકારનું ચૂકવું, મીલનનાં સપનાઓથી સજાવેલો પ્રેમપત્ર; ખીલેલું ગુલાબ રાખ્યું હતું સાચવીને જેમાં, સૂકી પંખૂગુડીની ખુશબૂથી મહેકેલો પ્રેમપત્ર; પીળો પડ્યો કાગળ, છતાં પ્રેમ છે અકબંધ, "વ્યોમ" કોઈનાં સ્મરણે સાચવેલો પ્રેમપત્ર; ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર.
....." રંગત વસંતની " હતી ગામડામાં જ ખરી રંગત વસંતની; શહેરે તો છોડાવી દીધી સંગત વસંતની; લૂમેઝૂમે ખીલતાં કેસરિયાં કેસૂડાનાં રંગે, ધરતી પર થતી મહેસૂસ જન્નત વસંતની; લાલ ચુંદડી ઓઢી શોભી ઊઠતું ગુલમહોર, તો, પીળો ગરમાળો રાખતું મન્નત વસંતની; લહેરાવતાં 'તાં ડાળી ડાળી વાસંતી વાયરા, ઓસની રહેતી પાંદડે પાંદડે પંગત વસંતની; ચોમેર ફેલાયાં છે ઘોંઘાટ ને પ્રદુષણ શહેરમાં, કેમ થવું? અહીં "વ્યોમ" અવગત વસંતથી; ✍️... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર.
....." તું ગઝલનો પર્યાય છે "* તું જ તો મારી ગઝલનો પર્યાય છે; તારા સ્મરણ વિના ક્યાં લખાય છે? તું જ મત્લામાં ને મક્તામાંય તું છે; ગઝલમાં શેર પણ તારા કહેવાય છે; તારા ખયાલ, ખ્વાબ ને હાસ્ય પણ, એક એક કરીને એમાં સચવાય છે; કામણગારી અદાથી આલેખાય છે; ને, એ સુરમ્ય આંખોથી વંચાય છે; "વ્યોમ" હૃદયની લાગણીઓ પણ, શબ્દો બની કાગળ પર ઠલવાય છે; ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર.
....." હૈયું મારું ઠરે છે " હસતી તને જોઈ, હૈયું મારું ઠરે છે. તારી એક મુસ્કાન દવાનું કામ કરે છે. આંખો તારી, અનોખું કામણ કરે છે. ઘાયલ દિલ પણ ઊંડી આહો ભરે છે. લચકાતી કમરે, જ્યારે તું ચાલે છે. સજદામાં શીશ પણ સલામ ધરે છે. ભીંજાયેલ અંગે આમતેમ તું ફરે છે. બદનથી તારા ઝાકળ બિંદુ ઝરે છે. લહેરાય ભીનાં કેશ જ્યારે હવામાં, સ્પર્શાતી બુંદે દિલમાં ટાઢક વળે છે. આંખો છે નશીલી ને હોઠ ગુલાબી, હર એક આહે, ઉર ખૂબ ઊભરે છે. નમણાશ તારી અદાઓની જોઈને, મન મારું સતત તારામાં વિચરે છે. ઓ દિલરૂબા તું કોઈ હૂરથી કમ નથી, ઈન્દ્રની અપ્સરાઓયે પાણી ભરે છે. તારી સુંદરતાનું વર્ણન શું કરે "વ્યોમ"? તારા હુસ્નની ચર્ચા તો હર ઘરે ઘરે છે. ✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર.
..." પતંગ " "વ્યોમ" પર ઊંચે, લહેરાતો જાય પતંગ; જીવવાની રીત, સમજાવતો જાય પતંગ; પહોંચોં ભલે ઊંચે પણ રાખો પગ ધરા પર, કેટલી સરસ વાત? બતાવતો જાય પતંગ; ભિન્ન છે રંગ ને આકાર, છતાં બધાં એક, એકતાનો એકડો, ઘૂંટાવતો જાય પતંગ; હોય એકલું ગગને તોય રહે સદા મસ્તીમાં, જિંદગીને માણતાં, શીખવાડતો જાય પતંગ; કરૂણતા છે કેવી? ગળે મળે એજ કાપે ગળાં, જીવનનો ગૂઢ પાઠ, ભણાવતો જાય પતંગ; નામ:-✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ" જેટકો (જીઈબી), મુ. રાપર.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser