રોજરોજ તને સ્મરું છું તને ખબર છે ને?
રુપમાધુરી નૈનમા ભરું છું તને ખબર છે ને?
અનેકમાં એકને નિહાળવાની છે ટેવ મારી,
આખેઆખો તને વરુ છું તને ખબર છે ને?
આદત મારી તારી સાવ સરખી ભૂલવાની,
તને ભૂલવાની ભૂલ કરું છું તને ખબર છે ને?
નથી જતો મંદિરે કે કથા કીર્તનમાં કદીએ,
અંતરમાં આવકારી ઠરું છું તને ખબર છે ને ?
રે દ્વૈતની વાત હવે વારેવારે કોણ કરે પ્રભો !
ઐક્યમા જ રમતો ફરું છું તને ખબર છે ને?
- ચૈતન્ય જોષી "દીપક" પોરબંદર.