મારા ભાગની દુનિયા મને દઈ દે,
બદલામાં વીત્યા સમયનું સરવૈયું લઈ લે.
પડછાયાની લગોલગ તારાં,
એક સરનામું મારું તું દઈ દે.
એકમેકનો ઘૂંટયો જે દાખલો,
સરવાળા-બદબાકીને ગણિત તું કહી દે.
વધ્યો કોઈ શેષ, તો ઘસારો ગણજે,
બાકી તો બધું તું કસરમાં લઈ લે.
નફા-નુક્સાનમાં તો છે જ ભાગીદારી,
ખોટી આ રકઝકની દાવેદારી તું લઇ લે.
ઠીક છે, હતો વાંક મારો પણ...માન્યું,
તો શું થયું, જો તું જાતે જ વાંકમાં રહી લે ?
હશે... ના માંગ તું હવે માફી,
તને ખબર છે, તારું હાસ્ય જ છે કાફી.
ચાલ, હવે કહું એમ કર,
ખોટા આ ઝગડાઓને ઘઉંના થેલામાં ભર.
કપાસની સરકડીનો માર એક ઘસરકો,
"નિધિ"ના નામનો જયકારો તું કર.
પ્રેમથી હવે બેસ તું પાસે,
કાયમ માટે તું મારો જ થઈ રહે.
ખળખળ વહેતી લહેરોના અવાજમાં,
વણકહયા "બે શબ્દો" તું કહી દે.
કહીશ જે પણ કાંઇ... હું સાચવીને રાખીશ,
લાગણી મઢેલ "પ્રીતડબ્બી"માં રાખીશ
વળતર જો તારે જોઈતું હોય, Nidhi
વ્યાજ મળશે, મૂડી "બંધમુઠ્ઠી"માં રાખીશ.
ભલે ભમવું હોય, તારે હજુ રમવું હોય,
"સંધ્યાકાળે" આવજે પાછો,
તારા નામે સઘળું "અકબંધ" હું રાખીશ.