#મિત્રની છત્રી# હેપ્પી ફ્રેન્ડશીપ ડે#
તે જ્યારે હાઈસ્કૂલમાં આવી, શેફાલી તેની મિત્ર બની ગઈ હતી. બંને નજીક નજીક રહેતાં તેથી સ્કૂલે સાથે જતાં, સ્કૂલમાં સાથે બેસતાં, સાથે હોમવર્ક કરતાં, સાથે રમતાં, જમતાં, ફરતાં. બધું સાથે જ કરતાં. લગભગ આખો દિવસ સાથે પસાર કરતાં. પણ તેનાં અને શેફાલીમાં આસમાનજમીનનો ફેર હતો. તે સ્વભાવે એકદમ નરમ. તદ્દન ઢીલી. માખીને ય જાતે ખસેડી ના શકે! જ્યારે શેફાલી એકદમ ગરમ. ગુસ્સા અને જનૂનવાળી, મજબૂત મનની, કોઈપણ પ્રસંગ હોય, કદી ઢીલી ના પડે! પરીક્ષા હોય તો યે એ રડતી હોય, ગમે તેટલું આવડતું હોય તો પણ! જ્યારે શેફાલી આવડે કે ના આવડે હસતી જ હોય! કહેતી, ‘પડશે એવાં દેવાશે!’
ભણ્યાં ત્યાં સુધી તે તેની ઢાલ બનીને રહી હતી. તેનાં સ્કૂલ અને કોલેજજીવનનાં દરેક તબક્કે દરેક તડકા, દરેક વર્ષા, વખતે શેફાલી છત્રી લઈ તેની પાસે આવી જતી, તેને એ બધાંથી બચાવવાં! સમય જતાં બંને બહેનપણીઓ પરણીને જુદે જુદે ઠેકાણે જતી રહી. હરપળનો સાથ છૂટી ગયો. હવે સંસારસાગરનાં ખરાં તબક્કે તેને હંમેશ પોતાની છત્રીની ઓથ આપનાર તેની સાથે ના રહી! ગભરાતાં ગભરાતાં તેણે સાસરીમાં નવું જીવન શરૂ કર્યું.
લગ્નનાં થોડાં જ સમયમાં પતિની કુટેવો સામે આવી. દારૂજુગાર, વ્યભિચાર અને આ બધી કુટેવો સાથે જ આવતી એક બીજી મોટી કુટેવ- પત્ની પર શારિરીક અને માનસિક અત્યાચાર કરવાની! એક તો તે પહેલેથી જ ગભરું હતી, તેમાં રોજની મારઝૂડ, ગાળાગાળી, તેને ભૂખીતરસી એક રૂમમાં પૂરી દેવામાં આવતી; એ બધાને લીધે હવે તે ચોવીસ કલાક ગભરાયેલી રહેવા માંડેલી. એક દિવસ શેફાલીનો વીડીયો કોલ આવ્યો. તેની પાસે તેને તો ફોન હતો નહીં તેથી તેના પતિના ફોન પર. ન જાણે શું વિચારીને પણ, તે દિવસે પતિએ તેને શેફાલી સાથે વાત કરવાં ફોન આપ્યો. બાજુમાં ઊભેલાં પતિને લીધે તે સરખી વાત ના કરી શકી. તેણે આંસુ માંડમાંડ છુપાવી રાખી શેફાલી સાથે વાત કરી.
બીજા દિવસની વહેલી સવારે જ શેફાલી તેનાં માબાપ, ભાઈબહેન, પોલીસ અને કેટલાંક સામાજિક કાર્યકરોને લઈને આવી પહોંચી. અને તેને પોતાની છત્રી નીચે રાખીને લઈ ગઈ!
#Friendship