અગાશીએથી દેખાતું તળાવ જોવામાં વ્યસ્ત છું,
રાતની ઠંડક, ચાંદ અને પાણીના સમન્વય સાથે,
હું મારામાં જ સમસ્ત છું.
અને અચાનક પાછળથી એક હાથનો,
મારા હાથને સહેજ સ્પર્શ,
હળવી એક ધ્રુજારી સાથે,
રુંવાડે રુંવાડાની, સલામી થઈ સ્પષ્ટ.
મીઠો એક આંચકો,
ને તને પ્રત્યક્ષ જોઈ લેવાથી મારો થઈ ગયેલો નાસ્તો,
પણ તને તો ભૂખ લાગી છે,
પ્રીતની પળોના અભણે જાણે રજા માંગી છે.
ઠીક છે, પહેલા પેટપૂજા કરી લે,
પણ પછી તું મારી ઈચ્છાને હણી લે.
સાંભળને...હૃદયમાં ઝણઝણે, એ તાર ક્યાં મળે ???
મારામાં વર્તાય, એ તારામાં કાં ન કળે ???
આડીઅવળી વાતોના મેળામાં, ઇચ્છતી આંખો પાણીયાળી રહી,
ફૂટ્યાં અંકુર કોહવાયા, ને મનની વાત મનમાં જ રહી.
નીંદર સાથે જીભાજોડીમાં, સપનાઓની જીત થઈ , Nidhi
આજ પણ આજે કાલની જેમજ લાગણીઓની રીસ થઈ.
જાણે હવામાં ઉડતું એક પીછું ધીરેકથી પાંપણ ઉપર બેઠું,
પોતાના બધા જ રંગો ખંખેરીને ફરી પોતાની રાહે જાતું દીઠુ.