ધરા ને ગગન જ્યાં એક થાય છે, એ ક્ષિતિજ એક ચુંબન!
પાંખો ફડફડાવી પંખી જ્યારે આસમાને અડે છે, એ સ્પર્શ એક ચુંબન!
ચાંચમાં દાણો ભરી માદા જ્યારે નાનકડાં બચ્ચાને પોષે છે, એ દ્રશ્યની સુન્દરતા એક ચુંબન!
ફૂલને જોતા જ પતંગિયા જે રસધાર શોધે છે, એ તત્પર શોધ એક ચુંબન!
ખળખળતી નદી જ્યારે સમુદ્રને જઈ મળે છે, એ મિલાપ એક ચુંબન!
પ્રેમમાં ગળાડૂબ અધરો જ્યારે એક થાય છે, એ ક્ષણમાં છલકાય તે પ્રિત એક ચુંબન!
નવજાત શિશુના માથે માતા જ્યારે હોઠ બિડે છે, એ ઘડીએ ઉદ્ભવે તે વાત્સલ્ય એક ચુંબન!
કરચલીઓ પડેલા હાથ આશિષ આપી, બોખા મોઢે ગાલ પર જે થૂંક જડે એની ભીનાશ એક ચુંબન!
મનગમતી વાનગી જમી બાળક માતાના હાથ ચુંમે, ત્યારે માતાના ચહેરા પર વર્તાય જે આનંદ એ એક ચુંબન!
વિદા કરતાં બાપ દિકરીના કપાળે જે સંતોષ મઢે, એની શાતા એક ચુંબન!
પ્રભુનાં ચરણની રજ ધોઈને પાત્ર મોઢે અડે, એ આચમન એક ચુંબન!
અલગ અલગ અનુભૂતિને મૂક રહીને ય સમજાવે એ અહેસાસ એક ચુંબન!!!
B+ve