એકાક્ષરી મંત્ર.... 'મા'
ત્રીલોકીનાથના દ્વારેથી નિકળી સંસારના હર એક ઘરનાં ઉંબરે ફુટેલી સ્નેહની સરવાણી એટલે 'મા'.....
અપાર વાત્સલ્ય અને ભાવનું અસ્ખલિત વહેતું ખળ-ખળ ઝરણું એટલે 'મા'...
પ્રેમનું દર્પણ, સ્નેહનું સમર્પણ અને સ્વાર્થરહિત સગપણ એટલે મમતામયી 'મા'....
સંસારના બધાજ શબદ અવતરણ કે ઉપમાઓ જ્યાં વામણી લાગે, એના પ્રેમનાં પ્રવાહને કોણ તાગે... જેના કંઠેથી હાલરડા રુપી સંગીત વાગે એવી માવડીને કોટી વંદન....
જેના પાલવના છેડલે ચૌદ બ્રહ્માંડનો નાથ પોરહ પામે, જેના એક મધુર સ્મિતથી હૃદયનો બગીચો પુલકિત થઈ જાય એ " મા "
વિનોબા ભાવે લખે છે કે,બિલકુલ પહેલી પરમેશ્વરની મૂર્તિ,જે આપણી પાસે છે. તે ખુદ આપણી મા છે.
જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે, “ એક માતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.” માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે‘ એટલે જ કહેવાયું છે કે "જે કર ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે."
વનરાજને ગુણસુંદરીએ, સિદ્ધરાજને મિનળદેવીએ,શિવાજીને જીજાબાઈએ, સરદાર વલ્લભભાઈને લાડબાએ અને ગાંધીજીનું પૂતળીબાઈથી લઈ સંસારના તમામ મહાપુરુષોના જીવનમાં એમની માતાનો ફાળો અમુલ્ય છે... મા દ્વારા જે સંસ્કારનું સિંચન થાય છે તે બીજા કોઈ દ્વારા ના થઈ શકે.. એટલે જ કવિ મલબારી લખે છે કે...
અર્પી દઉં સો જન્મ એવડું મા,તું જ લહેણું ’
કવિશ્રી તુષાર શુક્લની એક અદ્ભુત રચના આપણને માતાનો મહિમા સમજાવી જાય છે..
પા પા પગલી તેં શીખવાડી આંગળીએ વળગાડી
આગળ પાછળ હરતા ફરતા વ્હાલથી રહે જમાડી
મા, તું કદીય થાકતી ના
ભૂલ કરીને તારે ખોળે માથું મૂકી રડાતું
તારી આંખનું મૂંગૂં આંસુ કહેવાનું કહી જાતું
કોઈને કેમ સમજાવું આ?
દૂર હોય કે હોય પાસમાં હોય દેશ પરદેશ
અમૃત ઝરતી આંખ્ડી તારી આવતી યાદ હંમેશ
ઠોકર ખાઉં તો કહે: ‘ખમ્મા!’
આંગળી તોડી ઊડતાં શીખવ્યું આભ પડે ત્યાં નાનું
‘આવજે’ કહેવા અટક્યો ત્યારનું મુખ સંભારું માનું
મુખથી કદી કહે ના: જા
રાત પડે તું નભતારક થઈ મુજને રહેતી જોઈ
આંખનું આંસુ પવન પાલવે મા, તું લેતી લ્હોઈ
તારા હાતને જાણું મા કહી દઉં: આ તો મારી મા
હાથ ફરી માથે ફેરવવા મા, તું આવી જા.
કેટલા ભાવ સ્પંદન... બસ માવડી તુજને વંદન..
"મા"
માડી તારા પાલવડાની કોર,
માથે મારા ફરતી હતી;
તારા હેતભર્યા હાથો નો દોર,
વ્હાલ મીઠું કરતી હતી.
માડી કાલા ઘેલુડાં મારા વેણ,
હારો હાર બોલતી હતી;
તારા મીઠા હાલરડાં કેરી દેણ,
નીંદર કેવી આવતી હતી.
માડી તારા કાળજ કેરા કોડ,
પુરા બધા કરતી હતી;
તારી અમી આંખલડીની ખોજ ,
વ્હાલ વરસાવતી હતી.
માડી તારી આંગળીયુ કેરો નેહ,
ગાલ પર ફેરતી હતી;
તારા ખોળે બેસાડી પછી રોજ
ખંતે ખવડાવતી હતી.
માડી "પાર્થ"તણા રુદિયાની માય,
એ યાદ તારી આવતી રહી;
તારા ભણકારા વાગે મને રોજ,
આ આંખ મારી રડતી રહી.
🌻🌞પાર્થ ખાચર 🌞🌻
આવી તો લાખો કવિતામાં મા ના અપાર વાત્સલ્ય અને પ્રેમનો અખૂટ ભંડાર આલેખાયો છે. બસ આ જગતજનનીનાં હૈયાની ટાઢક બનીએ એવા ગુણો ઈશ્વર પાસે માંગી માવડીના ઉપકારનું તલભાર ઋણ ચુકવીએ તો પણ જન્મારો સફળ.... માતૃદેવો ભવ...!