અટકળો થી શિલ્પના ઘર ના બને
શ્વાસ લેવાથી જ જીવતર ના બને.
રક્તમાં ધરબી ગયું છે કો' તરસ,
અશ્રુ દિલના એમ સરવર ના બને.
તું પચાવી દર્દ જીવી ગયો ભલે,
ઝેર પીને કૈં તું શંકર ના બને.
એ જનોઈવઢ સબાકા રોજ જીલે,
સ્પર્શ અમથો મારો ખંજર ના બને.
છે, કબીરી તાતણાનો રંગ છે એ,
શ્વાસ અમસ્તા કંઈ ચાદર ના બને.
મૌન ભગવી ક્ષણનું સ્પર્શી ગયું મને,
આંખ નહિતર આમ અક્ષર ના બને.