આ તે કેવો સમાજ?
ચહેરા ઉપર મહોરાં લગાવે છે અહીં લોકો.
ઘાવ પર કાયમ મીઠું ભભરાવે છે અહીં લોકો.
રંકના આંસુ લૂછવા નથી સમય કોઈની પાસે,
ને અમીર માટે જાજમ પથરાવે છે અહીં લોકો.
મોબાઈલની સ્ક્રીન પર સંબંધ બન્યા ખૂબ ગાઢ,
ને ખરા સંબંધોને કાયમ ભૂલાવે છે અહીં લોકો.
દીકરીને દેવી કહીને પૂજતા આ સમાજમાં જ,
ગર્ભમાં શિશુપરીક્ષણ કેમ કરાવે છે અહીં લોકો?
સદા સત્ય બોલનારને અહીં, ગણાય છે પાગલ ,
અને જૂઠાઓને પાઘડી પહેરાવે છે અહીં લોકો.
પૈસા પાછળ આખી જિંદગી દોડતા રહે છે બધાં,
અંતે બધું સ્મશાનની રાખમાં ખપાવે છે અહીં લોકો.
જોઈને સમાજનો આ બદલાતો રંગ ઓ 'વ્યોમ',
જીવતા માણસને જીવતેજીવ રડાવે છે અહીં લોકો.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર