" હું ને મારો પડછાયો "
આજ અમે ખુલીને મળ્યા, હું ને મારો પડછાયો.
ખૂબ પછી વાતોએ ચડ્યા, હું ને મારો પડછાયો.
ટેકો આપ્યો'તો જેને, એ જ હટી ગયાં ખરા સમયે,
છતાં પણ કદી ન કોઈને નડ્યા, હું ને મારો પડછાયો.
ચોમેર છે આજકાલ, ભીડભાડ શહેરની સડકો પર,
ને, એમાંય એકલાં જ ભટક્યા, હું ને મારો પડછાયો.
ખીલી ઊઠ્યાં જુવો, હર બાગબાન શરદની મોસમમાં,
લ્યો પાનખર માફક ખરી પડ્યા, હું ને મારો પડછાયો.
છૂટતાં રહ્યાં છે એક પછી એક સબંધ અને સંગાથી,
અંત વેળા પણ સાથે જ રહ્યા, હું ને મારો પડછાયો.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર