નવરાત્રી.
આ શબ્દ એટલે ગરબાનો પર્યાય,
નવરાત્રીનું સ્મરણ થતાં જ માં શકિતના ગરબા અને રાસનું દ્રશ્ય આંખો સમક્ષ દશ્યમાન થઈ જાય છે.
ગરબો કે ગરબી એ આધશકિત ની આરાધના, ઉપાસના કે ભક્તિ કરવા માટેની એક વિશેષ તરેહ કહો તો તરેહ કે પછી પદ્ધતિ.
માં શક્તિની મૂર્તિ કે ફોટો મધ્ય ભાગે મુકીને બધાંજ લોકો તેની ચોતરફ પ્રદક્ષિણા એટલે કે ગરબો કરે છે,
પ્રદક્ષિણા સાથોસાથ માં શકિતનું ગીત,ગરબી દ્વારા આહ્વાન કે સ્મરણ કરે છે.
નવ દિવસ ચાલતાં આ ધાર્મિક પર્વની મારા મતે તો આ જ સાચી રૂપરેખા રહી છે.
હવે જ્યારે અત્યારની કડવી વાસ્તવિકતા જોતાં લાગે છે કે હવે નવરાત્રી એ ધાર્મિક પર્વ નહીં પરંતુ એક જબરદસ્ત ઇવેન્ટ નું સ્વરૂપ ધારણ કર્યું છે.
સત્ય છે.
કડવું પણ છે.
દરેકનો મત અલગ અલગ હોય શકે છે.
નવરાત્રી ને ઇવેન્ટ કહેવાય?
હા કહી શકાય.
કોઈ માટે પૈસા કમાવા માટેની ધર્મના નામે ફક્ત ઇવેન્ટ.
કોઈ રાજકીય નેતા માટે પોતાની વોટબેંકની સાચવણી અને વધારો કરવા માટેની ઇવેન્ટ.
કોઈ માટે મોબાઈલમાં સેલ્ફી પાડવાં માટે જ તેનાં મતે આયોજન કરેલી ઇવેન્ટ.
કોઈ માટે ફક્ત નાસ્તા પાણી કરવા માટેની ઇવેન્ટ.
કોઈ માટે (ધ)તન મિલાપ કરવા માટે કે નિહાળવા માટે ની ઇવેન્ટ.
કોઈ માટે ગરબો આરાધના નહીં પરંતુ ફક્ત કુદવા અને મનોરંજન માટે ની ઇવેન્ટ.
આજના તબક્કે જોતાં તો મને લાગે છે.
બીજાનું તો ખબર નહીં.
દરેક માટે ઇવેન્ટ પણ નથી કોઈ માટે તે ધાર્મિક ઉત્સવ છે.
શકિતને પામવાનો.
શકિતને જાણવાનો.
શકિતને અનુભવવાનો.
જેને નવ ગર્ભ દીપ સંસ્કાર પોતાની પેઢી માટે પામવાં છે તેનાં માટે નવરાત્રી એક ચૈતન્ય સૃજન છે.
નવરાત્રી માં નવ નો અંક ખુબજ મહત્વનો છે.
નારી માટે નવ દિવસ ગરબોએ ગર્ભદીપ પ્રાગટ્ય સંસ્કાર નો પ્રથમ નવ પગથિયાં ની પા,,, પા,, પગલી છે.જે પોતાની આત્માનાં શૃંગ શિખરે પહોંચવા મદદગાર થાય છે.
નવરાત્રી એ નારીમાં નવો જ ઉત્સાહ ભરતો અનેરો ધાર્મિક ઉત્સવ છે અને ધાર્મિકતા હંમેશા શ્રદ્ધા, વિશ્વાસથી મજબૂત થાય છે.
આવાં ધાર્મિક ઉત્સવ ની જડો આધુનિકતા નાં નામે નબળી ના પડે અને માં શકિતની ઉપાસના તેનાં નિતી નિયમોને આધિન થાય તો ઉત્સવની ગરિમા જળવાઈ રહે છે.