આજે તેનો છેલ્લો દિવસ છે, તેને ભલે ગૂનાની દુનિયાને અલવિદા કહી દીધું હોય પરંતુ ક્યારેક તે જોખમ ઉભું કરશે.
બોસે આજે તેની ગેમ ઓવર કરવાનું કહ્યું છે. ગમે તે થાય! આજે તો હું તેના શરીરમાં ગોળીઓ ધરબીને તેનું ઢીમ ઢાળી દઈશ.
આમ મનોમન બબડતો મસ્તાન, પોતાની પાસે છુપાવેલ રિવોલ્વર પર હાથ મૂકી તપાસ કરે છે કે તે તેની જગ્યાએ બરાબર છુપાયેલી છે ને!
આ સમયે પ્રણવ પોતાના બાળકને લઈને સ્કુલમાંથી બહાર નીકળે છે.
બેટા તું અહિંયા ગેટ આગળ ઉભો રહે,
હું જરા અંદર જઈને તારા ટીચર ને મળીને પાછો આવું છું.
પ્રણવ બહાર નીકળે તેની રાહ જોઈને ઉભો રહેલો મસ્તાન,
આમ અચાનક પ્રણવ પાછો સ્કુલમાં અંદર જવાથી મસ્તાન થોડીવાર રોકાઈને ધીમેથી પ્રણવના દિકરાની પાસે જાય છે.
પ્રણવ નો માસૂમ નાનો બાળક ત્યાં ઉભો ઉભો નાની નાની મોસંબી ની ગોળીઓ ખાઈ રહ્યો હતો.
તે બાળક મસ્તાન પાસે આવીને ઉભો રહેલો જોઈને તેને મસ્તાન ને માસૂમિયત ભરેલી સ્માઈલ આપી અને પોતાના હાથમાં રહેલી ગોળીઓ તેની તરફ ધરીને કહે છે લો અંકલ ગોળી ખાવી છે?
તે માસુમ બાળકનું આટલું વાક્ય સાંભળીને મસ્તાન નું કાળજું ધ્રુજી ગયું તે મનોમન કંઇક વિચાર કરવા લાગ્યો.
અચાનક તેને મન બદલ્યું અને પ્રણવને ગોળી મારવા આવેલ મસ્તાન બાળક પાસેથી એક ગોળી ખાઈને તે બાળકના માથે હાથ ફેરવીને ચાલ્યો ગયો.