આહીર યુગલના કોલ
( ભાગ - ૩ )
સજણ એડાં કીજિયે, જેડી લટીઅળ કેળ,
દૂધમાં સાકર ભેળીએ, તે કવોક લીએ મેળ :
કેવોક લીએ મેળ તે સળી ભરી ચાખીએ,
વાલું સજણ હોય તેને પાડોશમાં રાખીએ,
ચંપે ને મરવે વીંટાણી નાગરવેલ !
ચુડ કે સજણ એડાં કીજિયે, જેડી લટીઅળ કેળ.
એમ ગાતાં ગાતાં બપોર થયા. હમણાં સજણ ભાત લઇને આવશે, હાલ્યું આવતું હશે : પોતાના સૂર સાંભળતું હશે, એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રાવળો ગાય છે :
સજણાંને એમ રાખીએ, જેમ સાયર રાખે વા'ણ,
માલમી આવે મલપતા, સરમાં કરે સાન :
સરમાં કરે સાન તે ભારી,
નનકડાં સેણને નો રાખીએ મારી !
સમદર જળ સરખાં ભર્યાં, તાવે સાયરમાં તાણ,
સમણાંને એમ રાખીએ, જેમ સાયર રાખે વા'ણ,
મધ્યાહ્ન થયો. ગામના મારગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જુએ છે કે ક્યાંય ઓલી ભાતવાળી આવે છે ? આજ કાં એની પવનમાં ફરકતી રાતી કામળી કળાતી નથી ?
ત્યાં તો નાગનો બાપ ધમળ આવી પહોંચ્યો નાગે નજર કરી તો બાપુના મોં ઉપર શ્યામ વાદળી દેખી.
"કાં બાપુ, અટાણે કેમ ?"
આંખો લૂછતો ધમળ બોલ્યો : "ભાઇ ! ગજબ થયો. વહુને તો એરુ આભડ્યો. દીકરી મારી ! જોતજોતામાં તો એના પ્રાણ નીકળી ગયા. તને બોલાવવાનું ટાણું ન રહ્યું."
"ક્યાં છે ?"
"એને તો દેન દેવા લઇ ગયા."
"એ-એ-એમ ? એટલું છેટું પડી ગયું ?" આટલું બોલતાં તો નાગે પોતાની પડખે પડેલું દાતરડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું. 'હાં ! હાં ! હાં !' કરતો બાપ જ્યાં હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરાનો લોહીલોહાણ દેહ ધરતી પર ઢળી પડ્યો.
બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી. નાગે દેહ છોડ્યો. બાપ ચોધાર આંસુએ રોયો, અને પેલી આયરાણીએ રોયુ, કૂટ્યું, પોતાના ભરથારની ચિતાના ભડકા આઘે ઊભાં ઊભાં જોયા અને ઝૂરવા લાગી.
ચૌદમે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું. બાઇ ચડીને ચાલી નીકળી. પાદરમાં પોતાના ભરથારની તાજી ચિતા જોઇને બે-ચાર આંસું પાડ્યાં. પણ મનની વેદનાને ભૂંસાતાં શી વાર લાગે ? બાર મહિના વીત્યા ત્યાં તો સજણના હૈયામાંથી નાગનાં સંભારણાં નીકળી ગયાં. જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું, 'હવે શી વાર છે ?'
કશી વાર નહોતી. બીજા કોઇ એક ગામના આયર સાથે એના ભાઇઓએ એને નાતરે દીધી. એને તેડવા નવે સાસરિયેથી મહેમાનો આવ્યાં. ઘુઘરિયાળી વેલડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી.
સાંજનું ટાણું થયું. વેલડી રસ્તામાં દેવગામને પાદર ઊભી રહી. તેડવા આવનારમાંથી બે-ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા. પણ ચોરા આગળ તે રાતે ભવાઇ રમાતી હતી. જુવાનો ભવાઇ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો.
અંતે અકળાઇ આયર જુવાનડીએ વેલડીના માફામાંથી બહાર ડોકિયું કર્યું. નજર કરે ત્યાં સામે એ કોણ ઊભેલો ?
એક તાજો પાળિયો : રુધિર જેવા તાજા સિંદૂરમા રંગાયેલા અબોલ પથ્થરનો એક પાળિયો.
કંકુના ચાંદલાવાળી જોબનવંતીને સાંભર્યું - એ પહેલી વારનું પરણેતર; માયરામાં બેઠેલો વિશાળ છાતીવાળો એ જુવાન - જેની તાજી ફૂટતી મૂછો એ જોબનવંતીએ પાંખા પાંખા પાનેતરમાંથી નીરખેલી; એને સાંભરી આવી - પહેલવહેલી રાત અને બીજી એવી ઘણીય અજવાળી રાત્રિઓ; એને સાંભર્યા એ માઝમ રાતના પહોર અને એકબીજાની ચિતા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ; અને અંતે સાંભર્યું એ કાળજામાં ખૂંતેલું દાતરડું.
આશાભેર નવે સાસરિયે જનારી આયરાણીના મોંમાંથી એક ઊંડો નિસાસો નીકળી ગયો
(વધુ ભાગ ૪ માં)