અક્ષર ઉવાચ
★★★★★★★★★★
જ્યારે કરે મિત્રો વાતો, ત્યારે અક્ષર કઈ ન બોલે.
શાંત થયું આખું ઓરડું, ત્યારે માત્ર અક્ષર ઉચ્ચારે.
કોઈ ન જાણે કેવી માયા, અક્ષર પોતાની મેળે બોલે !
કહે છે અક્ષર, સાંભળે છે મિત્રો.
'હું અક્ષર,
છું શક્તિશાળી.
નથી મારા વિના કઈ,
હું જ પરમજ્ઞાની.
કરું છું એક મહત્વની વાત,
સાંભળો બધા મિત્રો મારો ઉવાચ.'
આશ્ચયમાં પડેલા મિત્રો સાંભળ્યા કરે, આનંદિત અક્ષર - આગળ બોલ્યા કરે :
'હેં બુદ્ધિમાનો મારું અસ્તિત્વ જાણો,
છે બધું વ્યર્થ મારા મહત્વને પહેચાનો.
મારા વિના નથી ગ્રંથો કે તેના રચયિતા,
મારા વિના નથી ગીતો કે તેના સુરીલા,
મારા વિના નથી કથા કે તેના કથાકારો,
અને નથી મારા વિના કવિ કે કલાકારો.
સૂરજ વિના છે જેવો જીવન અકારો,
તેવાં જ મારા વિના છે તમામ કૃતિકારો.
મારું નથી કોઈ એક રૂપ,
કારણ કે મારા છે અનંત ગુણ.
અરે હું છું તો જ આ બધા હાજર છે,
મારા વિના આ લોકોનું શું સ્થાન છે !
સ્વતંત્ર હોવ ત્યારે એકલો અક્ષર કહેલાવું,
અક્ષર-અક્ષર જોડાઈને શબ્દ બની જાવું.
શબ્દોના સંયોજનથી વાક્ય રચાય,
વાક્યોના પરાક્રમથી ઇતિહાસ લખાય.
ઇતિહાસ સાંભળી સાંભળીને મોટા થયા,
છતાં પણ ઇતિહાસ પુનઃસર્જાયા.
અઢી અક્ષર રચિને પ્રેમ બની જાવું,
ચાર અક્ષર જોડાઈને નફરત કહેલાવું.
બધા કહે કે હું છું માત્ર વિચારોનું નિરૂપણ,
ખરું એ કે મારા વિના નથી વિચાર એકપણ.
મનમાં રહિને વિચાર કહેલાઉ છું,
મુખ દ્વારા વાણી બની જાવું છું.
બ્રહ્માના મુખથી જ્યારે નીકળું ત્યારે વેદો કહેલાવું,
શ્રી કૃષ્ણના મુખથી નીકળતા ગીતા બની જાવું.
પ્રભુ શિવના ઉપદેશ દ્વારા યોગ કહેલાવું,
તેમનાં પુત્ર દ્વારા મહાભારત કાવ્ય બની જાવું.
સત્યની વાણી વખતે સતયુગ બની જાવું,
રામની વાણી વખતે ત્રેતાયુગ કહેલાવું.
ધર્મ-અધર્મની વાણી બની દ્વાપરયુગ,
અને બનું કલ્કિવેણથી કળિયુગ.
વાલ્મિકીના જ્ઞાન દ્વારા રામાયણ રચાઉ,
રાવણના મુખ દ્વારા શિવસ્તોત્ર ઘડાઉ.
રામની વાણીથી સત્ય વચન કહેલાવું,
સીતા દ્વારા પ્રેમની પરિભાષા જણાવું.
હનુમાનની ભક્તિ મારા થકી પહેચાનો,
કેવટ દ્વારા સુંદર ગીત બનાવું.
સબરીના ગુરુ દ્વારા તેના જીવનનો ધ્યેય બની જાવું,
વચન દ્વારા દશરથના કાળચક્રનું પરિણામ કહેલાવું.
રાવણના અભિમાન દ્વારા તેની કાળવાણી બની જાવું,
શ્રી રામ દ્વારા તે પાપીના વધનું મહાકાવ્ય કહેલાવું.
રામાયણ અને મહાભારતની આ સામાન્ય વાત,
બન્ને કથાનું મૂળ વચનો પર જ આધાર.
જો દશરથે વચન ન આપ્યું હોત કૈકયને,
જો દેવવ્રતે વચન ન આપ્યું હોત દાશરાજને,
તો એ ન થાત જે થયું,
તો એ ન બનત જે બન્યું !
માત્ર એક વેણને ખાતર માનવીઓ મરાણા,
સમગ્ર ઇતિહાસ તેઓના રક્તથી લખાણા.'
અક્ષરની વાણીમાં ખોવાયા મિત્રો બધાં, અંતિમ વાત - કરવા જાય નવો સખા.
'સાંભળો મિત્રો ! ઈશ્વરે રચ્યા 55 અક્ષરો,
બુદ્ધિમાન તમે એટલા શોધ્યા 52 અક્ષરો.
બાકીના ત્રણ અક્ષરો બચ્યા જે,
પરમ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પાસે તે.
પોતાના અક્ષર દ્વારા બ્રહ્મા રચે,
પોતાના અક્ષર દ્વારા વિષ્ણુ રક્ષે,
પોતાના અક્ષર દ્વારા શિવ વિનાશે.
રહસ્ય તમને આ કહેતો જાવું,
મારા વિશેનું જ્ઞાન દેતો જાવું.'
થયો અક્ષર મૌન, ઓરડું ફરી શાંત.
અક્ષરની કેવી માયા, કોઈ ન માને વાત.
પડ્યા મિત્રો આશ્ચર્યમાં કે કેવો એ ક્રમ !
હતી એ ઈશ્વરની માયા કે માનવીનો ભ્રમ ?
- પરમાર રોનક
★★★★★★★★★★