છોકરાને પ્રશ્નો કેમ પૂછવા?
હવે જમાનો બદલાયો છે, હવે તો છોકરાઓને આઝાદીની આદત પડી છે એટલે તેઓ જે કરે એ બધું માબાપ ને કહેવાની જરૂર નથી સમજતા. માબાપ પણ નથી પૂછતા કે ક્યાં છો કેમ છો?
ઉપરના વિધાનને તમે સમય પ્રમાણેનું બદલાવ કહેશો અને સ્વીકારશો કે આમાં માબાપ ની બેદરકારીને મોડર્ન થવાનું લેબલ આપશો?
અહીં છોકરાઓની આઝાદીને હણવાનો પ્રયત્ન નથી, પણ આઝાદી કેરિયર અને વર કે વધુ પસંદ કરવાની યોગ્ય છે, પોતાના માબાપને જિંદગી માંથી બેદખલ કરવાની આઝાદી એ વધુ પડતું પગલું કહેવાય કે જેને માબાપ જેવા વ્યક્તિઓનું અપમાન કહી શકો.
અહીં માબાપ પોતે પણ આ બાબતે આંખ આડા કાન કરતા જોયા છે જેઓ પોતાની એકની એક સંતાન કે વધુ પડતાં લાડ પ્રેમમાં છોકરાઓને પ્રશ્નો પૂછવાનું ટાળે છે. પ્રશ્ન પૂછવા એટલે ક્યાં ગયો હતો, ક્યારે આવીશ, કોની જોડે છે વગેરે.
આ પ્રશ્નો છોકરાઓને ખાસ કરીને ૧૫-૨૫ વર્ષના છોકરાઓને ખુબ તકલીફ આપે છે, એમને લાગે છે એમની ફ્રીડમ જતી રહી છે, એટલે તેઓ માબાપ કે દાદા દાદી ને પોતાના દુશ્મન ગણે છે. તેઓ સાથે ઝઘડવા તૈયાર થઈ જાય છે.
પણ આવા પ્રશ્નો છોકરાઓને ઘણું બધું નહીં કરવા જેવું રોકવા પૂરતા છે, આવા પ્રશ્નોના જવાબ આપવાની બીકે છોકરાઓ ખોટા રવાડે ચડે નહીં. તેઓ નકામા નશેડી મિત્રો નહીં બનાવે, નકામા ખર્ચ નહીં કરે અને મહેફિલ પાર્ટીઓમાં સમય વ્યર્થ નહીં કરે.
હા આ પ્રશ્નો પૂછતા માબાપ ને ઘર્ષ્ણનો સામનો કરવો જ પડે છે, છોકરાઓ કોઈ સંજોગે પોતાની આઝાદી જવા નથી દેતા પણ સાથેજ વાલી તરીકે આપણી ફરજ છે કે એમને સાચા ખોટોનો આભાસ કરાવીએ. એમનું ઈમોશનલ કાઉન્સિલિંગ કરીએ કે આ યોગ્ય છે અને આ યોગ્ય નથી. જો આપણે પેરેન્ટ્સ તરીકે એમને ઇગનોર કરીશું તો તેઓ આપણને ઈગનોર કરતા વાર નહીં લગાડે.
વિદેશી સંસ્કૃતિ માંથી છોકરાઓને નાની ઉંમરે પગભર કરવાની વાત શીખીએ, નહીં કે માબાપ ને જિંદગીના નિર્ણયો માંથી બાકાત કરવાનું શીખીએ
આજેજ છાપાંમાં અમદાવાદની સમૃદ્ધ પરિવારની દીકરીના નશાના રવાડે ચડવાના સમાચાર વાંચ્યા એટલે થયું થોડા સભાન થઈએ.
- મહેન્દ્ર શર્મા ૨૧.૦૮.૨૦૨૨