સાંજ ઢળે સરિતાના તટમાં, ધીમા પવન ઝકોળે; બેઠાં બેઠાં ઝાડ પરે કોઈ, પંખીડાં રસ ઘોળે. જાતાં જાતાં એક નજર, મીઠી સૂરજની થાતી; પાલવને સંકોરી સરિતા, ઘૂંઘટમાં શરમાતી. ચાંચ ભૂલી ચકવાની ચકવી ડાળે કરિયું ચુંબન; પાન ખર્યું જળમાં ને જળને ગાલે પડિયા ખંજન. વેલ્યુંના ચંદરવા ઓઢી બાંહે બાંહ પરોવે; ક્યાં ગ્યાં રૂપતણાં પ્રતિબિંબો ઝાડ ઝકુમ્બી જોવે. એક ઘૂંટ ભરી એ રંગના હોઠ જરા મલકાતા; શ્યામ ગાલ સરિતાના ત્યાં તો રતુંબડા થઈ જાતા. સૂતી માના અંગ પર બાળક ઊઠી ને ઘૂઘવતું; એમ કિનારા પર સરિતાને ઝરણે ઝરણું દડતું. દિવસનાં બીધેલ પશુડાં ભય વિણ પાણી પીતાં; ટપકંતાં હોઠોથી મોતી મોં કરી ઊંચું જોતાં. લળી લળીને તટના વૃક્ષો માથેથી ઓવારે; સાસરીએ જાતી સરિતાની ફૂલડાં માંગ સવારે. છાનું છપનું જો તું લજ્જા! ચન્દ્ર ઘડીક તું થોભે! રૂપ ભરીને પી લ્યો મૂંગા મૂગાં ખોબે ધોબે.