" મૈત્રી.... એક દેવત્વ .... "
એક શબદ કાને પડે ને મુખ મલકાય જાય...
એક શબદ કાને પડે ને હૈયું હરખાય જાય...
એક શબદ કાને પડે ને લાગણીનો દરીયો ઉભરાય...
એક શબદ કાને પડેને હૃદયમાં ટાઢક થઈ જાય...
એક શબદ કાને પડેને પળમાં દુ:ખ છૂ-મંતર થઈ જાય...
એક શબદ કાને પડેને ભવની ભોઠપ વહી જાય...
એક શબદ કાને પડેને જીવન સાર્થક થઈ જાય....
હા! એ શબદ મૈત્રી.. મૈત્રી... અને બસ મૈત્રી...
સંસારની વ્યથા, કથા, દુ:ખ,દર્દ,ચિંતા,હતાશામા ધેરાયેલા માણસનું હાથવગું દેવત્વ એટલે ખરા અર્થમાં દોસ્તી અને એટલે જ સુંદર લખાયું હશે કે ઈશ્વર જેને લોહીનાં સંબંધોથી જોડવાનું ભુલી ગયો હોય એને દિલદાર દોસ્તી અર્પી એ ભૂલને ભગવાન સુધારી લેતો હોય છે... એટલે જ મા-બાપ પછી જ્યાં સધળા સ્પંદનો હિલોળા લેવા મંડી જાય ..એક ખભો આભને ટેકા દેવા તત્પર બની જાય, જ્યાં સાવ ખાલી થઈ શકાય એવું પરમતત્વ એટલે મૈત્રી.
જાપાનમાં એક ખૂબ જ પ્રચલિત કહેવત છે કે,
When the character of a man is not clear to you, look at his friends….
તમે જ્યારે કોઈ વ્યક્તિ વિશે જાણવા માંગતા હોવ તો તમારે તેના મિત્રો તરફ્ નજર કરી લેવી જોઈએ. મિત્રો આપણા પ્રતિબિંબ સમાન હોય છે....
"એક અસ્તિત્વની ખરી ઓળખ કાયમ મિત્ર જ બનતો મેં જોયો છે
એક એવો મજબુત ખંભો "પાર્થ" કે જેના સહારે ખુદ ઈશ્વર રડતો જોયો છે.
કનૈયા એટલો શબદ બોલતાની સાથે ધુરંધરોની વચ્ચે અસહાય દ્રૌપદી પળભરમા સુરક્ષિત બની જાય... એક ધાગો બાંધ્યો હોય દોસ્તના કાંડે અને એના નવસો નવ્વાણું ચીર મિત્ર વગર કોણ પુરે.... અરે! બે મુઠ્ઠી તાંદુલની ખાયને જગત આખાનું એશ્વર્ય આપી દેવું પડે અને કદાચ જો રુક્ષમણી ન રોકત ને ત્રીજી મુઠ્ઠી તાંદુલ કનૈયો ખાત તો એનુ મૂલ્ય જગતના નાથથી પણ ન ચૂકવાત અહો! એ સુદામાની મૈત્રી અને અયાચક વ્રત!!!!
શું લખું યાર.... મૈત્રીને કોઈ શબ્દમાં મુલવી શકાય એમ નથી એટલે દુનિયાના જેટલા દાખલા આપો એ બધાજ ઓછા પડે એ અમુલખ શબદ એટલે મૈત્રી.
અને એટલે જ તો કવિ મુસાફિરના શબ્દો મને હ્દયગમ્ય લાગે.....
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
મિત્રો એટલે બે શરીર અને એક આત્મા.. ...કંઈ પણ બોલ્યા વિના આપણી આંખો જોઇને આપણું દુ:ખ સમજી જાય તે મિત્ર...આપણી સફળતા જોઇને આપણા કરતાં પણ વધું ખુશ થાય તે મિત્ર.... મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધથી ભરી દે છે...અંધારામાં એક આશાનું કિરણ એટલે મિત્ર. મુશળધાર વરસાદમાં પણ તમારા આંસુને ઓળખી લે તે મિત્ર.
તમારી આંખમાંથી પડતાં આંસુ ઝીલી લે તે મિત્ર....મિત્ર એટલે જેની પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો.....આટલું કહ્યા પછી પણ એની બધીજ વ્યાખ્યા એના અસ્તિત્વ આગળ ઝાંખી જ લાગે એ મિત્ર.....
મિત્ર કિજીએ મરદ,
મરદ મન દરદ મિટાવે,
મિત્ર કિજીએ મરદ
કામ વિપતિ મેં આવે,
મિત્ર કિજીએ મરદ,
સત્ય કહકર સમજાવે,
મિત્ર કિજીએ મરદ,
ખુશામત કર નહી ખાવે
મિત્ર તાહીકો નામ હે,
લોભ કબુ મન ના લગે,
કવિ સત્ય બાત 'પિંગલ'કહે
દેહ જાય નેહ ન ડગે..
ભાવ સ્પંદન:- પાર્થ ખાચર
કેળવણી નિરીક્ષણશ્રી બરવાળા
શિક્ષકશ્રી ચાચરિયા પ્રા.શાળા (તા-બરવાળા)