કોરોના ટેસ્ટ નેગેટિવ આવે તો પણ ચેતજો !
કોરોના મહામારીમાં દર્દીનું દર્દ સાંભળવા તંત્ર તૈયાર નથી; પરિવારજનો અહીંથી ત્યાં ભટકે છે. પ્રથમ તો કોરોના ટેસ્ટ કરાતો નથી; ટેસ્ટ માટેની સુવિધા ઉપલબ્ધ હોતી નથી. ટેસ્ટ થાય અને રીપોર્ટ નેગેટિવ આવે તો પણ રામ ભરોસે એટલે કે હોસ્પિટલના ભરોસે રહેવા જેવું નથી; લક્ષણો કોરોના વાયરસના જણાતા હોય તો બીજી જગ્યાએ ટેસ્ટ કરાવી લેવામાં જ સલામતી છે. આંખ ઊઘાડનારો એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. મારી સાથે ફરજ બજાવતા હિમિલ મુડીયાને જ સાંભળીએ-
“મને પણ સિવિલ હોસ્પિટલનો ખરાબ અનુભવ થયો છે. મારા ફાધર ને કોરોનાના લક્ષણ જણાતાં અમે 25 મે, 2020ના રોજ અમદાવાદના જોધપુર વોર્ડ સંચાલિત 'અર્બન હેલ્થ સેન્ટર'માં ગયા હતાં. જવાબ મળ્યો કે અહીં ટેસ્ટિંગની પ્રક્રીયા બંધ છે. પછી અમે અમદાવાદની નામાંકિત એવી બે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા; પરંતુ પપાને તાવ અને કોરોનાના લક્ષણ હોવાથી તેમણે ટ્રીટમેન્ટ કરવાની ના પાડી. પપાનું ઓક્સિજન લેવલ ઘટતું હોવાથી અમને તાત્કાલિક નજીકની સોલા સિવિલ હોસ્પિટલમાં જવાની સલાહ આપવામા આવી. હું પપાને લઇને સોલા સિવિલ હોસ્પિટલ ગયો અને તેમને કોરોના સસ્પેકટેડ વોર્ડમાં રાખવામાં આવ્યા. આ વોર્ડમાં અગાઉના પેશન્ટને ચડાયેલું ડિસ્પોઝેબલ ઓક્સિજનનું માસ્ક પણ બદલવાની તસ્દી કોઇએ ન લીધી અને મારા પપાને એ જ માસ્ક મોઢા પર લગાવવામાં આવ્યું. મેં તરત જ બીજું માસ્ક લગાવવાનું કીધું. અગાઉના પેશન્ટને અપાયેલ બેડશીટ/પીલો એનું એ જ હોવાથી બદલાવવાનું કહેલ. કોરોના રીપોર્ટ બીજા દીવસે આવે ત્યાં સુધી એ કોરોના સસ્પેકટેડ વોર્ડમાં જ રેહવાની સુચના મળી. આ વોર્ડની પરિસ્થિતિ જોતા જ મને લાગ્યું કે અહીં તો ટેસ્ટ માટે આવેલા નેગેટિવ પેશન્ટ પણ બીજા દીવસે ઘરે જતાં સુધીમાં પોઝિટિવ થઈ જાય ! બીજા દીવસે રાત્રે 10 વાગ્યે પપાનો રીપોર્ટ નેગેટિવ આવ્યો અને 27 મે ના રોજ સવારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. પરંતુ મારા પપાની તબીયત ખૂબ જ ખરાબ થતાં એમ.ડી. ડોક્ટરની સલાહ મુજબ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમના ફેફસાંનો ‘સી.ટી. સ્કેન’ કરાવ્યો; તેમાં કોરોના વાઇરસ હોવાનું માલુમ પડ્યું. તાત્કાલિક તેમની ટ્રીટમેન્ટ શરુ કરવામા આવી; ફરીથી કોરોનાનો ટેસ્ટ કરતાં રીપોર્ટ પોઝિટિવ આવ્યો ! જો અમે સિવિલ હોસ્પિટલના રીપોર્ટના આધારે ઘરે બેસી રહ્યા હોત તો મારા પપા મેં ગુમાવી દીધા હોત !”
સુપ્રિમકોર્ટે 12 જૂન 2020ના રોજ તંત્રની બિનસંવેદનશીલતા અંગે કહ્યું છે : “કોરોના દર્દીઓની સારવાર પ્રાણીઓ કરતાં ખરાબ રીતે થઈ રહી છે !” ખરી વાત છે. તંત્ર નાગરિકોને માણસ નહીં, પ્રાણીઓ જ સમજે છે !rs