વરસાદ
તને યાદ કરવી જાણે શીતલહેર,મેસેજ તારો મીઠો અહેસાસ.
ફોન કોલ તારો માવઠું અને મુલાકાત તારી જાણે વરસાદ.
યાદ છે જ્યારે પ્રથમ વખત તને મેં મનભરીને જોઈ હતી..
જે દિવસે પાગલ વાદળી કોઈ જોરથી આકાશે રોઈ હતી..
હાથ રાખી માથે તું વરસાદ થી બચવાની કોશિશ કરતી હતી.
લાગ્યું જોઈ એવું કે એક નદી પોતાનાં સાગર થી ડરતી હતી.
શરીર તારું ધ્રુજી ઉઠ્યું જેવો તે સાંભળ્યો વીજળીનો નાદ..
તારી નજીક આવવાનો મોકો આપી રહ્યો હતો મને વરસાદ.
ખુદ ભીંજાતાં ભીંજાતાં મેં તને મારી છત્રી આપી હતી..
એક નજરમાં તે મારી તુજ તરફની લાગણી માપી હતી.
ધરા એ બાહો પ્રસારી વરસાદ નું દરેક ટીપું જેમ ઝીલ્યું હતું.
તારી મીઠી મુસ્કાનનાં લીધે મુજ હૃદયે પ્રેમપુષ્પ ખીલ્યું હતું.
જતાં જતાં તે મુજને જોઈ આભાર નો જે બોલ્યો મીઠો સાદ.
મુજ ભીંજાયેલાં ને પુનઃ ભીંજવી દે તારી વાણી નો વરસાદ.
ધરતી લીલુડી,હવા ખુશનુમા તું મને મળી બીજીવાર.
હૈયાની સૂકી ધરતી પર ફૂટી નીકળ્યો પ્રેમ નો પાક અપાર.
શ્રાવણનાં મેઘની માફક હવે મુશળધાર તું વરસી હતી..
મારાં પ્રેમમાં તરબોળ છતાં તું કેટલી તરસી હતી..?
સૂરજ ઉગતાં હવે આવવાં લાગી હતી ફક્ત તારી મને યાદ.
મૌસમ મેઘાની પૂર્ણ થતાં અલવિદા કહી ચુક્યો હતો વરસાદ.
જીંદગી પણ મૌસમ જેવી હોય છે એ ત્યારે મને સમજાયું હતું.
આપણે આપણે કરતી તુજથી હું અને તું જ્યારે કહેવાયું હતું.
સંજોગો ની એવી થાપ વાગી કે આપણો પ્રેમ અધુરો રહી ગયો.
ના ઢોળાયો,ના છલકાયો એ ઈશ્કનો જામ મધુરો રહી ગયો.
આજે તો દેહ ને દઝાડે છે જ્યારે સ્પર્શે છે આ વેરી વરસાદ..
એક તરફ આકાશે વાદળી વરસે અને અહીં આંખોમાંથી વરસાદ.
-જતીન.આર.પટેલ (શિવાય)?