ભવોભવના..
એને ઊંઘ નહોતી આવતી, ઊંઘવાની ચેષ્ટા કર્યે જતો હતો. અકળામણ ગભરાવતી હતી.
એવામાં અચાનક એને વોટ્સઅપ મેસેજ ટપક્યો. એ જાણીજોઈને બેખબર રહ્યો. બેડ પર પડ્યા પછી ફોનને નહી અડકવાની એની જબરી નેમ. કિન્તું આજે એનું ધ્યાન વારે વારે ફોન તરફ ખેંચાતું હતું. નાછૂટકે એ હાર્યો. ઊભો થયો. ફોન અનલોક કર્યો. આવેલ મેસેજ જોઈ એની આંખે ચોમાસું ચડ્યું. આનંદ ઊંભરાયો.
મેસેજ મહિના પહેલા જ પરણીને ગયેલી એની માશૂકાનો હતો. ઊતાવળે એણે ઊભડક મેસેજ વાંચવા માંડ્યો:
પ્રિતમ...
તું શાયદ ખુશ હોઈશ.
તે કહ્યું હતું ને કે મારા સિવાય અન્યથી લગ્ન કરે તો મને જાણ ન કરતી! મે એ પાળ્યું. તારાથી દૂર રહીને બહું જ ખુશ છું! (તું ખરેખર ભાગ્યશાળી છે હો! કે મારા વિના ખુશ છે! એ મનમાં જ હરખાતો બબડ્યો.)
તે એક વચન માગ્યું હતું ને મે આપ્યું પણ હતું. કિન્તું હું એ નિભાવી ન શકી એનો તને રંજ હશે, મને આનંદ છે. (વાહ! તું ગજબની નીકળી હો! એ ફરી ઉમળકાથી મનમાં બોલ્યો)
તને ખબર નથી, હું તને રજેરજ જાણું છું. તું મારી સાથેની આખરી મુલકાતનો કડવો ઘુંટ જીરવી શકવા સમર્થ ન હતો એટલે જ તને છેલ્લી મુલાકાત ન આપીને મે વચનભંગ કર્યું! તું મને વીસરી શક્યો નહી હોય એની મને ખાતરી છે કિન્તું હું તને ભૂલી ગઈ છું એ તું નહી જાણતો હોય! હાં, તારી આખરી ઈચ્છા પૂરી કરવા હું તને જરૂર મળીશ, સમયની આરપાર અને ક્ષતિજને પેે પાર. તું રાહ ન જોતો, પણ હું તને મળીશ.(વાહ, શું લખ્યું છે! પ્રેમિકા તો આવી જ હોવી જોઈએ! એ પલંગમાં પડતા જ બોલી ઊઠ્યો.)
ખુશ રહેજે, બકાં. લગ્ન કરી લેજે. આમ તો ન કરે એમાં જ ભલાઈ છે. પણ સંસારનો કંસાર ચાખવામાં જ મજા છે. હાં, સાંભર્યું: તું કહેતો હતો કે મારા ઉદરમાં તારો ગર્ભ ઉછરે. પણ હાયરે નસીબ! હવે તો તારી યાદ પણ દિલમાં નથી રહી! ક્યારેક પાંપણના તીરે ઝળકી જરૂર ઊઠે છે તું! બસ, હવે અલવિદા. તારો એકવાર ફરીથી અવાજ સાંભળવો છે.
એક કામ કરજે. કાલ સવારે પાદર જજે. આપણે મળતા હતા એ ખીજડાની ઉત્તર દિશાએ તેતર બોલતા સંભળાય તો ઝટ ફોન જોડજે, નહીં તો ભવોભવના.
©અ.રે.