મનુષ્ય
છું મનુષ્ય
આવેગ-સંવેગ
લાગણી-મમતા
સાથે જ ચાલે છે,
નવો દિવસ નવો અનુભવ
એમ, જિંદગી પણ ચાલે છે!
અહીં રહેવું, બધું અનુભવવું
અને છતાં રહેવું તો
જલ કમલ વત્!
તો આ ધરા પર જનમ,
અને આ શિક્ષણ શા માટે?
તારાથી છૂટા પડીને
ફરી શું તારી સાથે મળવા?
કે તારાથી છૂટા પડેલા
તારા બાળની રમત માણવા?
કે ફરી ફરીને
તારા સુધી પાછા ફરતાં
તારા જ સંતાનો જોઈ
તારો અહમ્ સંતોષવા?
સર્વોપરી હોવાનો અહેસાસ
તને બહુ ગમે છે?
તારે પ્રત્યક્ષ દેખાવું નહીં,
તારે પ્રત્યક્ષ બોલવું પણ નહીં,
તો એટલું ધ્યાન રાખજે મારું,
તું સતત સાથે છે એવી લાગણી કરાવજે!
©અર્ચિતા દીપક પંડ્યા