" ઊડી ગયું પંખી ટહુકીને "
જનારાં તો ચાલ્યાં ગયાં અમને એકલાં મૂકીને.
ને અમે ભોગવ્યો એકાંતવાસ એમનું નામ ઘૂંટીને.
સતત મહેસૂસ થયા કરે ટેરવે, સ્પંદન સ્પર્શનાં!
અનિમેષ નજરે દેખું છું, બસ એ જ અંગુઠીને.
એકલતા શું છે? એ, એ ડાળને જઈને પૂછો!
ઊડી ગયું છે પંખી જ્યાંથી, હમણાં ટહુકીને.
પ્રેમ, પ્યાર, વ્હાલનો મતલબ એ શું જાણશે?
જે, કરે છે દોસ્તી તો પણ કરે છે પૂછી પૂછીને.
કાંગરાય ખરવા લાગ્યા આજ એ કિલ્લાના,
ઉભો 'તો તવારીખે ક્યારેક જે ગગનચુંબીને.
જખમો પ્રણયનાં રૂઝાતાં નથી હવે તો કોઈ,
સ્મિત પણ લઈ ગયાં છે જતાં જતાં લૂંટીને.
ડામ પ્રણયનાં કંઈક એવા લાગ્યા છે "વ્યોમ"
કે લાગણી પણ દર્શાવાય છે હવે ફૂંકી ફૂંકીને.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર