#freedom
મુક્ત
આમ જુઓ તો મુક્ત, આમ જુઓ તો કેદી છું,
છું પાર-દર્શક બહારથી, ને છતાંય ભેદી છું.
કોઈ પૂછો અમને કે કેટલું રોકાણ છે અહીં?
અમે તો ભૈ ફરતા રામ, પ્રવાસી બસ બે'દિ છું.
છું અવિભાજ્ય તારાથી ને તારામાં જ પૂર્ણ,
શેષ કાંઈ રહેતું નથી, "સ્વ" નો હું છેદી છું.
આમ જુઓ તો હાજર, આમ જુઓ તો લુપ્ત છું,
તારા જ હાથે સજાયેલી, જાણે હું મહેંદી છું.
જ્ઞાન પણ "હું" જ, ને અજ્ઞાન પણ "હું" જ છું,
ખોળિયામાં છુપાયેલો તે, જાણે હું વેદી છું !
@ મેહૂલ ઓઝા