**હઠ, ક્રોધ અને હું** (અછાંદસ કાવ્ય)
એક જિદ પકડીને બેઠો છું,
જાણે આખી દુનિયા મારી સામે છે,
"મારું ધાર્યું જ થવું જોઈએ" —
આ એક વિચાર,
મનને જેલ બનાવી દે છે.
જ્યારે એ જિદ પૂરી નથી થતી,
ત્યારે જન્મે છે— 'ગુસ્સો'.
એક ધગધગતો કોલસો,
જેને મેં હથેળીમાં પકડી રાખ્યો છે,
સામેવાળાને બાળવા માટે,
પણ હકીકતમાં,
પહેલી મારી જ હથેળી બળે છે.
આ જિંદી પણું શું છે?
વહેતી નદીમાં આડો આવેલો એક પથ્થર,
જે પાણીને રોકી શકતો નથી,
બસ વહેણને તોફાની બનાવી દે છે.
આની નિરાકરણની દિશા શું છે...
મેં જોયું છે...
કે ડાળી જેટલી કડક રહે છે,
વાવાઝોડામાં એ જ પહેલા તૂટે છે,
અને જે (Flexibility) છે એટલે કે લચકપણું છે, એ નમી જાણે છે, માટે એ પવન ગયા પછી ફરી બેઠી થાય છે.
આનો ઉકેલ એ જ છે..
જિદ છોડવી એટલે હારવું નથી,
પણ મનનો ભાર હળવો કરવો છે.
ગુસ્સો પી જવો એટલે ડરપોક હોવું નથી,
પણ પોતાની શક્તિનો સદુપયોગ કરવો છે.
મુઠ્ઠી ભીંસીને રાખશો તો હાથ થાકી જશે,
હથેળી ખોલીને જુઓ...
આખી દુનિયા એમાં સમાઈ જશે.
બહુ સરળ છે નિરાકરણ છે...
દરેક વાતમાં 'હું' ને વચ્ચે લાવવાનું છોડી દો,
જિદ ઓગળી જશે,
અને ગુસ્સો...
એ તો પ્રેમની એક લહેર સામે ટકી જ નહીં શકે "સ્વયમ્'ભૂ"
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"