વિષય: સંગીત માટેની રચના
પ્રકાર: અછાંદસ કાવ્ય
શીર્ષક: "શબ્દો જ્યાં ઓગળી જાય છે..."
એક મૌન અને કોલાહલની વચ્ચે,
જ્યાં ભાષા ટૂંકી પડે છે,
ત્યાંથી જ તો સંગીતનો પ્રવાસ શરૂ થાય છે.
પેલા તબલાની શાહી પર પડતી થાપ,
જાણે સમયના હૃદયના ધબકારા,
એક લયમાં જીવનની ગતિ માપતા હોય.
ને પેલી વાંસળીના પોલાણમાં,
શ્વાસ જ્યારે રાગ બનીને ગુંજે છે,
ત્યારે લાગે છે કે હવાને પણ હવે બોલવું છે.
ખૂણામાં પડેલું હાર્મોનિયમ,
એની ધમણમાં ભરેલાં કેટલાય નિસાસા,
કાળી અને સફેદ પટ્ટીઓ પર,
સુખ અને દુઃખની જેમ આંગળીઓ નાચતી રહે છે.
સિતારના તંગ તાર પર,
જ્યારે મિઝરાબનો સ્પર્શ થાય,
ત્યારે વીણાની ગંભીરતા પણ,
ઝણઝણાટી બનીને રોમે-રોમમાં વ્યાપી જાય.
ક્યારેક શરણાઈનો મંગલ સૂર,
તો ક્યારેક વાયોલિનનું ભીનું દર્દ,
મૃદંગના ઘેરા અવાજ સાથે ભળીને,
એક આખું બ્રહ્માંડ રચી દે છે.
અને ઓલા...
મંજીરાના રણકારમાં,
બધું જ એકાકાર થઈ જાય છે,
વાદ્યો તો માત્ર બહાનું છે,
અસલમાં તો "સ્વયમ’ભુ"આત્મા પરમાત્માને સાદ કરે છે.
અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"