॥ દુહો ॥
પશ્ચિમ ભણે પાયથો, ચીન હુનર ચિત્ત ધાર,
પણ ભારત જોવે જાતને, ઈ તો મોટી હાર!
વિદ્યા હારી વર્ણથી, કૌશલ હાર્યું કાય,
અશ્વિન કે' આ ગજબ છે, ન્યાય ક્યાં ગોતાય?
॥ છંદ: ત્રિભંગી (શૈલી) ॥
અમેરિકા ભાળે, અક્કલ વાળે, વિજ્ઞાને જે વેગ કરે,
જ્યાં જ્ઞાન જ પૂજાય, ભલે ને ગણાય, દુનિયા આખી ધાક ધરે.
ત્યાં ચીન ચતુર નર, હુનર હૈયે ધર, હાથે જે હુન્નર કરે,
તે મલક આખોય, જગતમાં જોય, વેપારે જે ડગ ભરે... (૧)
પણ ભારત મારો, દેશ રૂપાળો, ક્યાંક રસ્તે અટવાયો,
જ્યાં જ્ઞાતિ ના ઝેરે, અંદરો અંદર, માનવ માય ને હણાયો.
ત્યાં કાગળ કટકે, મેધાવી અટકે, લાયક પાછળ ફેંકાયો,
જ્યાં જાતિ ના જોરે, સત્તા ના તોરે, સાચો હુનર ભુલાયો... (૨)
હવે જાગો જનતા, ત્યાગો મમતા, ગુણ ને પૂજતા શીખી લ્યો,
જો બનવું હોય જગમાં, શ્રેષ્ઠ શિખર પર, જ્ઞાતિ ના વાડા તોડી દ્યો.
જ્યાં 'વરણ' ન પૂજાય, 'વરતણ' પૂજાય, એવો મારગ પકડી લ્યો,
કહે "સ્વયમ્’ભૂ" કર જોડી, ભ્રમણા છોડી, પ્રતિભાને હક આપી દ્યો... (૩)
અશ્વિન રાઠોડ "સ્વયમ્’ભૂ"