સાગરની સંપત્તિ ચોરી, વાદળ બહુ હરખાવે છે.
કુદરતને થઈ ફરિયાદ, પવનને પાછળ દોડાવે છે.
કહ્યું ના માનતા પવનનું, પર્વત આંખ બતાવે છે.
તો કરી ગર્જના મોટેથી, પર્વતને દબાવે છે.
દુઃખ પર્વતનું જોઈ કુદરત, ઈન્દ્રને મોકલાવે છે,
સાત રંગો સહિત ઈન્દ્ર, પોતાનું ધનુષ ચઢાવે છે.
રસ્તો ન રહ્યો વાદળને હવે, પોતાની ભૂલ ખમાવે છે.
ચોરી આણેલું બધું જ જળ, ધરતી પર વરસાવે છે.
સંદેશો મોકલી નદીને, પાણી દરિયાને મોકલાવે છે.
એક નાની ફરિયાદ થકી, કુદરત ન્યાય અપાવે છે.
દુલા કાગની કવિતા "જય ભાનું હરિ"માંથી પ્રેરણા લઈને...