વેદના સઘળી શબ્દોમાં ના સમાવી શકાય.
રડતું હોય અંતર પણ આંસુ ના લાવી શકાય.
ઉરની આપવીતી ઉરમાં જ રાખી ઢબૂરીને,
રે આ મન ચંચળ એને ના સમજાવી શકાય.
લાલીમા મુખમંડળની હોય ગાલ તમાચાથી,
કેમ હસવું? સ્મિત ચહેરે ના ફરકાવી શકાય.
આવતીકાલ ઊજળી ધારીને જીવી જવાયું,
આજના ઉત્પાતે ગમગીની ના દેખાડી શકાય.
છે એ તો સમાજ, મનફાવે તેમ બોલી શકે,
એની ટીકા ટીપ્પણે રાહ ના બદલાવી શકાય.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.