સાચી મિત્રતા એ એક છોડ જેવી છે જે ધીમેથી વધે છે અને તે એક મોટું વૃક્ષ થઈને જીવનભર તેની છાયા આપે છે. મહાન સોક્રેટીસે પણ કહ્યું છે કે, ‘મિત્ર બનાવતા પહેલા સો વખત વિચારો અને મિત્ર બનાવ્યા પછી તેને કાયમ માટે ટકાવી રાખો’. મિત્ર એટલે મનથી અને હૃદયથી આપણી સાથે હોય. જીવનના તડકાં-છાયાની મોસમ એટલે કે સુખ દુઃખના સમયમાં પણ જે ટકી રહે છે તે મિત્રતાનો વૈભવ છે. સાચી મિત્રતા એ તો જીવનમાં સાંપડેલી ધન્ય ક્ષણ છે. વ્યક્તિ જન્મે છે ત્યારથી તેની આજુબાજુ વિવિધ સંબંધો બંધાતા જાય છે. આવા અનેક સંબંધોની વચ્ચે મિત્રતા એક પરમ પવિત્ર વસ્તુ છે. આપણા જીવનમાં મા-બાપ અને ભાઈ-બહેનની સાથે સાથે મિત્રની પણ જરૂર છે. મિત્રતામાં લોહીનો સંબંધ ન હોવા છતાં પણ તે લોહીના સંબંધ જેવો જ અતૂટ બંધન છે. જન્મથી માંડી મરણ સુધીની સળંગ યાત્રામાં જો એકાદ વ્યક્તિને તમે મિત્ર ન બનાવી શકો તો તમારે સમજવું કે તમારામાં જ કંઈક ખૂટે છે.