કોઈ પણ વ્યક્તિની સમજમાં દુનિયાનું સૌથી પવિત્ર સ્થળ એટલે મંદિર. મંદિર કે જયાં લોકો મનની શાંતિ મેળવવા માટે જાય છે. પોતાનાં દુઃખો ભગવાન દૂર કરી દેશે એવી આસ્થા સાથે જાય છે. ભગવાન પાસે પોતાનાં સુખ સમૃદ્ધિ વધે એવી યાચના લઈને જાય છે. ભગવાન ખુશ થશે એમ વિચારીને જાતજાતની મીઠાઈઓ અને રોકડનું દાન મંદિરમાં થાય છે. તો શું જેઓ મોટું મોટું દાન ન કરી શકે એમનું ભગવાન સાંભળતા ન હોય?
શું મંદિરમાં જઈને માત્ર માંગણી જ કરવાની હોય છે? માત્ર ત્યાં જઈને બે હાથ જોડી, આંખો બંધ કરી માત્ર પ્રાર્થના કરીને બહાર આવી જઈએ તો ભગવાને આપણને જોયા ન હોય? અરે, ભગવાન તો ભાવનાં ભૂખ્યા છે. તમે મંદિરે ન જાઓ તો પણ એ સાચા મનથી કરેલ પ્રાર્થના સાંભળે જ છે. મંદિર તો એટલાં માટે છે કે જેથી આપણે એક જ સ્થળે બેસી ભગવાનની ભક્તિ કરી શકીએ. આંખ સામે મૂર્તિ હોય તો મન આમ તેમ ભટકી જવાને બદલે સ્થિર થઈને ભગવાનનું સ્મરણ કરી શકે.
આજ કાલ તો મંદિરમાં જઈને પણ બધા ગપ્પા જ મારતાં જોવા મળે છે. પોતાનાં સુખ દુઃખની, ઘરની, સાસુ વહુની, ધંધાની, વગેરે જેવી. ભગવાનને તો માત્ર હાથ જોડે છે, જે માંગવા આવ્યા હોય એ માંગી લે છે અને પછી સમય શરુ થાય છે ગપ્પા મારવાનો. કેટલાકને તો એ પણ ખબર નથી કે મંદિરમાં કેવાં કપડાં પહેરીને જવું જોઈએ. એટલે જ તો મંદિરની બહાર બૉર્ડ લગાવવા પડે છે કે વ્યવસ્થિત કપડાં પહેરીને જ મંદિરમાં પ્રવેશ કરવો.
મંદિરમાં જઈને મોટા મોટા ભોગ ધરાવો અને બહાર ઊભેલા ભિખારીને આપવા માટે એક રૂપિયો પણ ન ખર્ચી શકો તો એ હજારો રૂપિયાનો ભોગ ભગવાન સ્વીકારશે? કોઈ વ્યક્તિને તમે સતત હેરાન પરેશાન કરો, એનું જીવવાનું હરામ કરી નાંખો અને પછી મંદિરમાં જઈને ભગવાન પાસે કરેલ કર્મોની માફી માંગો તો શું ભગવાન માફ કરશે?
મારે એ નથી કહેવું કે મંદિરમાં કંઈ જ ન ચઢાવો, પણ જેટલું ભગવાનને ધરાવો છો તેનું કંઈ નહીં તો ત્રીજા ભાગનું તો દાન કરો. ગમે એટલાં ભવ્ય મંદિર બનાવો, ભગવાન તો ત્યાં જ મળશે જયાં એમને સાચા મનથી બોલાવ્યા હશે.
#મંદિર