કેટલીક વ્યક્તિઓની વર્તણુંક જોઈને એમ લાગે કે શું કોઈ આટલી હદે દુષ્ટ હોઈ શકે? પણ હા. આપણે અનુભવ કરીએ જ છીએ. સમાચાર, વર્તમાનપત્ર અને અન્ય માધ્યમોથી આપણને વાત મળતી રહે છે કે પુત્રએ પિતાને માર્યા, દાદા દાદીને ઘરમાંથી કાઢી મૂક્યા, ઘરની વહુને માર માર્યો, કાઢી મૂકી, જીવતી સળગાવી કે પછી આવા તો બીજા ઘણાં કિસ્સાઓ. શું દુષ્ટ વ્યક્તિઓ જાણીજોઈને આવું કરતી હશે કે પછી એમને આવું કરવા પ્રેરવામાં આવી હશે? જવાબ આપવો મુશ્કેલ છે. પણ મારા મતે મોટાભાગનાં કિસ્સાઓમાં નાનપણથી જોયેલું ઘરનું વાતાવરણ કે પછી દરેક વખતે થયેલ અન્યાય ક્યાંક જવાબદાર હોય છે.
કોઈ ખૂબ જ સારી વ્યક્તિની અન્યાય સહન કરવાની સહનશક્તિ પતી જાય છે ત્યારે ક્યાં તો તે ભગવાનના શરણે જાય છે, ક્યાં તો પોતાની જાતને સમાપ્ત કરી દે છે અને ક્યાં તો પછી દુષ્ટ બની જાય છે. આમ પણ આપણે કહેતાં જ હોઇએ છીએ કે સતત બોલતી વ્યક્તિ અચાનક ચુપ થઈ જાય ત્યારે સમજવું કે એની લાગણીને ઠેસ પહોચી છે. આ ઠેસ અમુક સમય માટે જ હોય તો ઠીક છે, પણ જો વધુ સમય ચાલે તો એનું કંઈક અલગ જ પરિણામ આવે છે.
ક્યારેક વિધાતા જ કંઈક એવું લખીને બેઠા હોય છે નહીં તો રાવણ જેવો એક અતિ જ્ઞાની અચાનક જ દુષ્ટ થઈને કોઈ અન્યની પત્નીને શા માટે અપહરણ કરી લઈ આવે? સંસ્કારોથી ભરેલા કુટુંબના બાળકોમાંથી પણ ક્યારેક કોઈ દુષ્ટ બની જાય છે, શકય છે કે કોઈ કારણસર એની સતત ઉપેક્ષા થતી હોય!
સતત વગોવાએલ કે ઉપેક્ષિત થયેલ વ્યક્તિના દુષ્ટ થવાના ચાન્સ વધુ હોય છે.
ક્યારેક સાથે કામ કરનારા સહકર્મચારી પણ દુષ્ટ હોય છે. જ્યારે તેઓ આપણાં સુધી ન પહોંચી શકે ત્યારે ક્યાં તો આપણને નીચા દેખાડવાની ક્યાં તો બદનામ કરવાની કોશિશ કરે છે. પણ એનો અર્થ એ નથી કે સામે આપણે પણ દુષ્ટ થઈને બાથ ભીડી લઈએ. ક્યારેય કોઈ સીધી વ્યક્તિ સાથે એટલા દુષ્ટ ન થવું કે એ આપણી ફરીયાદ સીધા ભગવાનને જ કરે.
જે પહેલેથી જ દુષ્ટ હોય છે એને કદાચ સમજાવટથી પાછા વળવાનું વિચારી ન શકીએ પણ જે સંજોગોને લીધે દુષ્ટ બન્યા છે તે કદાચ ફરીથી સારા બની શકે છે.
કોઈને પણ એની વર્તણુંક કે એની આદતોથી દુષ્ટ માની લેવાને બદલે એ કેમ આવું કરે છે એ જાણવું જરૂરી છે, બની શકે કે એને સુધારવા માટે આપણને કોઈ ઉપાય મળી જાય.
જેમ સારી દેખાતી બધી વ્યક્તિ સારી નથી હોતી તેમ દુષ્ટ લાગતી બધી વ્યક્તિ દુષ્ટ નથી હોતી.
#દુષ્ટ