બે વાતોની સરખામણી કરીએ. બન્ને વાંચેલી જ છે.
પહેલામાં એક બાળક છે. ખૂબ જ હસમુખો, બધાનો લાડકો, આખો દિવસ બોલ બોલ કરે. માનો લાડકવાયો. અચાનક કંઇ થાય છે અને મા સ્વર્ગ સિધાવી જાય છે. પિતાનો દેશ પરદેશમાં વેપાર. કરવું શું? બાળકનો વિચાર કરીને બીજા લગ્ન કરે છે. નવી મા આવે છે. શરૂમાં બધુ બરાબર ચાલે છે. પછી પણ બરાબર જ ચાલે છે પણ ન નોંધાયેલા ફેરફારો થયાં છે. બાળક ચુપ થઈ ગયુ છે. પણ કોઇએ નોંધ્યું નથી. ઘણાં દિવસોના વેપાર પ્રવાસ પછી પિતા ઘરે આવે છે. પોતાના વ્હાલા દીકરાને ખૂબ વ્હાલ કરે છે અને બગીચામાં ફરવા લઈ જાય છે. એની નવી મા વિશે પૂછે છે કે તે કેવી છે.
બાળક કહે છે કે પહેલી મા જૂઠ્ઠી હતી આ સાચી છે. પિતા ચોંકી જાય છે. પછી વધુ પૂછતાં બાળક ખુલાસો કરે છે કે પહેલી મા જ્યારે કહેતી હતી ને કે તુ બહુ તોફાની છે તને 3 દિવસ ખાવાનું નહીં આપુ તો પણ અડધો કલાકમાં ખાવાનું લઇને મારી પાસે આવી જતી હતી, જ્યારે આ મા 3 દિવસ પછી જ આપે છે. આજે 2 દિવસ થઈ ગયા છે. હવે મને પરમ દિવસે ખાવાનું મળશે. એનાં પિતાની આંખોમાં આંસુ આવી જાય છે કે મેં કેટલી મોટી ભૂલ કરી નાંખી.
હવે બીજી વાત. આમાં એક વ્યક્તિ હોય છે, જેનાં અંતર્મૂખ સ્વભાવને લીધે કોઈ એની આજુ બાજુ જવા તૈયાર નથી હોતું. એ શા માટે આવો છે કોઈ જાણતું જ ન હતું. આખરે એક દિવસ એને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મળે છે એનાં સંશોધન બદલ અને બધા ચોંકી જાય છે. પોતાનો એવોર્ડ લેતી વખતે એ કહે છે કે જો તે બધાની સાથે વાતોમાં જ વ્યસ્ત રહ્યો હોત ને તો આ સંશોધનને યોગ્ય ન્યાય આપી શક્યો જ ન હોત. કારણ કે આમાં એકાગ્રતા ખૂબ જ મહત્વની છે.
આ બન્ને બાબતોમાં વ્યક્તિની અંતર્મૂખ બનવા માટેની પરિસ્થિતિ અલગ છે : એકે બનવું પડે છે અને એક પોતાની જાતે બની જાય છે કે જેથી ધ્યાન કેન્દ્રિત કરી શકે. માટે અંતર્મૂખ વ્યક્તિ તોછડી કે અભિમાની જ હશે એમ માની લેવાને બદલે એની પાછળનું કારણ જાણવા મળે ત્યાં સુધી કોંઈ નિર્ણય પર ન ઉતરવું જોઈએ.
#અંતર્મુખ