મુળાની ભાજી
રવિવાર ની રમૂજ..
બડી તીખી મજાની છે સ્વભાવે ખારવાળી છે,
અમો મૂળા તણી ભાજી છરી એ ધારવાળી છે.
લઈ નવરાશ દીનાનાથ નિરાંતે ઘડેલી છે,
જરા ખાટી મધૂરી મીઠડી તકરારવાળી છે.
અમારી ચામડી જાડી કરી બેઠા રહીએ તો,
પરોણો પાતળી પરમાર સરખી આર વાળી છે.
સુખી ઘરની ગૃહિણી છે ચહેરો પણ ગુલાબી છે,
જરા મજબૂત કદકાઠી અને આકારવાળી છે.
અમારી પર સતત વરસાદ એના હેતનો કરતી,
નજર થી હેતવાળી છે ય આંખો ચારવાળી છે.
અરે ફોટો નથી પાસે કરો શંકા તમો શાથી. ?
કરી છે નોંધણી પાકી અરે આધારવાળી છે.
રસીલી જીભવાળી છે ટહૂકા મીઠડા મધ શા,
નજરથી છે કટારી જીભપણ તલવાર વાળી છે.
રુડપ રાખે રસોડામાં કડપ રાખે કચેરીમાં ,
કડક છે આકરી મોદી સમી સરકાર વાળી છે.
વહેવારે તહેવારે ખબર દાજી બધાની છે.
ભલે લાગે બધાની બોસ પણ દરકાર વાળી છે.
દાજીના ડાયરામાંથી સાભાર.