લેડીઝ કપડાંના શૉ-રૂમની બાજુની સીડી પર ત્રણ વર્ષનો શુભમ બેઠો હતો. તેની મમ્મી શૉ-રૂમની અંદર ગઈ હતી. એટલામાં જ તેની બાજુમાં નેન્સી આવીને બેઠી. લગભગ પાંચ છ વર્ષની, મેલી ઘેલી નેન્સીને જોઈને શુભમ બાળસહજ ભાવથી દૂર ખસ્યો.
માસુમ નેન્સી નજીક સરકતા બોલી, 'કેમ, હું તને પણ નથી ગમતી?' તેની નિર્દોશ આંખોમાં ઉગેલું આશાનું છેલ્લું કિરણ પણ ધૃણાથી ઘસાઈ ગયું. આમ પણ એ પપ્પાનાં હુંફાળા પ્રેમને પામે, એ પહેલાં જ તેને અભાગણ કહિને તેને તિરસ્કારના રણમાં ધકેલી દેવામાં આવી.
નેન્સીની વિધવા માની આંખો ભરાઈ આવી. માનસિક વિકાર ધરાવતી નેન્સીનાં શબ્દો તેમનાં કાનમાં હથોડાની જેમ અથડાયા, 'કેમ, હું તને પણ નથી ગમતી?'
- ભાવિક રાદડિયા 'પ્રિયભ'