The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શેનાથી દૂર ભાગો, પ્રીતમ? નથીઆપી સોગંદ કોઈ! નથી લીધાં વચન કોઈ! કોણે કર્યાં વાયદા ને કોણે બાંધ્યા બંધનો? નથી ભરી દેવું હ્રદય ઝાઝવાંનાં નીર સમા પ્રણયથી! નથી ભરી દેવું જીવન ખોખલાં સંબંધોની ભરમારથી! બસ! રહેવા દો ક્ષણિક મિલન ને ક્ષણિક આલિંગન! ક્ષણાર્ધ ચુંબન ને ક્ષણાર્ધ સહવાસ! બસ, રહેવા દો અપેક્ષાઓથી પરે આ સંબંધને. ના ભૂત ને ના ભાવિ જેનું, જીવી લઈએ એવા આ પળના સમાગમને! ના અશ્રુ ને ના હાસ્યની છોળો, નાનકડા આ સ્મિતને ચાલો માણી લઈએ, એકમેકના આશ્લેષમાં કદી કદી ખંખેરી નાંખીને દુન્યવી તાણાવાણા! ~ નિશા પટેલ
કદીક એવું યે થાય કે તું બોલાવે મને! કદીક એવું યે થાય કે મારી કલ્પનાઓનાં પક્ષીને વાસ્તવની એક પાંખ મળે! કદીક એવું યે થાય કે તારાં મહેલોનાં પથ્થર પર એક નામ મારું યે કોતરાયું હોય! કદીક એવું યે થાય, કે પ્રિયજનના પડખે નિંદ્રિત તારા સ્વપ્નમાં મારું આગમન થાય! કદીક એવું યે થાય કે અન્ય સાથે સહવાસ સમયે તારાં હોઠ પર મારા નામનું રટણ થાય! કદીક એવું યે થાય કે, તું ચહેરો મારો લે તારા હાથમાં ક્ષણાર્ધ ચુંબન માટે ને એ ક્ષણાર્ધ માટે અવિરત ચાલી રહેલા આ સમયની ગતિ સ્થગિત હોય! ~ નિશા પટેલ
અજાણ્યું ભાસતું આ શહેર તમારું, લાગે છે, હતું કદીક મારું પણ! હસતી રમતી કૂદતી નાચતી ગાતી હું ગલી ગલીથી પરિચિત ક્યાં છે એ શહેર? સાવ અજાણ્યા રસ્તા ને સાવ અપરિચિત માનવમેળો! ઘડીભર લાગ્યું કે તમે તો છો પરિચિત… પણ, એ ય હોય, કદાચ છલના આંતરમનની!!! ~ નિશા પટેલ
“પ્રેમની એક કરચલી” અરીસામાં આજે જોઉં છું ચહેરા પરની કરચલીઓ, અને એ કરચલીઓમાં શોધું છું પ્રેમની કરચલી આંખ ઝીણી કરી, ચશ્મા ચઢાવ્યા ઉતાર્યા, ઘસી ઘસી મેક’પ ઉતાર્યો, અરીસા બદલી બદલીને જોયું…. પણ એક કરચલી સુધ્ધાં ના મળી પ્રેમની, વર્ષો સુધી જે ભ્રમણા હતી, પ્રેમની, ખરી પડેલા ભ્રમરોના વાળની જેમ, દરેક સંબંધની સત્યતા ઉતરી ગઈ ચહેરાની સુંવાળપ સાથે, આંગળીના ટેરવે ખરબચડી, શુષ્ક, ચામડીના પડલો ક્યાંય દેખાઈ નહી , એક રેખા, પ્રેમની એક કરચલી…
“બહુ ભારે કરી” વાત સાવ નાની હતી, તેં મોટી કરી, બહુ ભારે કરી! એક સુંદર છબી તેં કદરૂપી કરી, બહુ ભારે કરી! આવી તારી ભૂમિ પર પાથરી ચાદર રંગબેરંગી સુગંધીદાર ફૂલોની, મેં રમણીય કરી! તેં એના પર કંટકોની પથારી કરી, બહુ ભારે કરી! ચાલી અજાણપણે તેના પર મેં રક્ત નીતરતી ભૂમિ કરી! આવી આંખોની ગલીમાં પાંપણો મારી તેં ભીની કરી, બહુ ભારે કરી! બેધારી છરી મારી તેં ઉરે મારા વસવાટ કરી! છીનવી લીધું હાસ્ય પણ તેં પ્રેમભરી વાતો કરી, બહુ ભારે કરી! વિશ્વાસ પર વિશ્વાસઘાત કરી બારી નાની પણ, ખોલી’તી મેં, તેં બંધ કરી! બહુ ભારે કરી!
રોજ વહેલી સવારે દેખાય છે ઓસનાં બિંદુ મને, ને થાય બમણી તરસ મારી છેતરાઈને! બેસું છું રોજ માથે હાથ મુકી, કહેવું કોને અહીં, ચૂપ રહું છું તેથી, સ્વજનો સાથે!
સ્મૃતિના કેટકેટલાંય પડલો ને તેમાં ચહેરો રહે એક નો એક. રોજ આવે સ્વપ્નો અનેક ને તેમાં ચહેરો રહે એક નો એક!
“ક્ષિતિજ ભણી ઉડાન” દૂર દૂર સુધી છે આપણી વચ્ચે આ દરિયો ને દરિયાનું પાણી ખારું, ના દેખાય દૂર સુધી કાંઈ છે માત્ર એક આશની કિરણનું વહાણ! આપણી વચ્ચે આ દરિયો ખારો ને ખારું એનું પાણી! ઊડવું મારે આકાશ મહીં! શાને ખેંચે આ દરિયો ઊંડેઊંડે પાતાળ મહીં? જાઉં મારે પેલે પાર, પાંખ મારા અરમાન ભર્યા, બોલાવે કોઈ મને પેલે પાર ક્ષિતિજની, ઉડું પાંખો હળવી કરી, દેખાય ઉજાસ ક્ષિતિજ ભણી! રહેવું ના ક્ષણ પણ આ પાળીએ હવે, સાદ દે ત્યાં કોઈ મને ક્ષિતિજ ભણી!
“શમણું એ પારિજાત-શુ!” અધખુલ્લાં નયનની કાજળઘેરી કિનારીએ હરખતું મલકતું એક શમણું! હવામાં કોમળ-શાં હાથપગ મારતું નાનાકડા બાળ-શું! ને કદી તરુણીના તારુણ્ય-શું છલકતું! ઝૂલી રહ્યું એ કથ્થાઈ કીકીઓની આસપાસની ગુલાબી, નાની મોટી, આડીઅવળી રેખાઓનાં તાંતણે! કોમળ કમળ-શાં પોપચાં ઉપર ઉઠાવીશ ના, કરમાઈ ખરી પડશે પ્રભાતના કુમળાં સોનેરી કિરણોનાં સ્પર્શથી, શમણું એ પારિજાત-શું!
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser