વરસી વરસીને તેં તો કાળોકેર કીધો.
જાણે કોઈ ગાંડાએ શરાબ પીધો.
ચારેકોર જળબંબાકારને ,
માનવમાત્રમાં હાહાકારને,
નથી સહ્યો જાતો આ સંતાપ.
હવે તો ખમૈયા કરને તું બાપ..!
પીરસવામાં નથી પારંગત તું,
નિભાવ્યે જા છો વરસવાની લત તું.
કૈંક તો રાખવું ઘટે દેવામાં માપ?
હવે તો ખમૈયા કરને તું બાપ...!
ઘરમાં પાણી , બહાર પાણી,
વેગ વધતાં લઈ જાય તાણી.
ભૂખ્યાં છોરુનાં સાંભળ પ્રલાપ,
હવે તો ખમૈયા કરને તું બાપ..!
આ તો વરસ્યો કે કોપ કરી બેઠો?
હાલ તને દશા દેખાડું આવ જો હેઠો.
નુકશાનીની વાતે સહુ કરે વિલાપ,
હવે તો ખમૈયા કરને તું બાપ..!
ખેડુ પણ ગમગીન, નથી સારા સીન,
ત્રાહિમામ જન સૌ બની ગયાં દીન.
મીટમાંડી બેઠા કે ક્યારે થાય વરાપ ?
હવે તો ખમૈયા કરને તું બાપ...!
- ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.