વિષય: "સર્જકને ગમતી રચના"
શિર્ષક: "સર્જકના હૃદયનું ઉદબોધન"
પ્રકાર: અછાંદસ કાવ્ય
હું સર્જક છું.
મારું હૃદય એ કાવ્ય છે
જે ધબકે છે પ્રેમ બની,
કરુણાની સરવાણી બની વહે છે
જ્યાં સત્યનો સૂર્ય અજવાળે છે પથ,
અને સાહિત્યના શબ્દો બને છે વાચા.
વિશ્વની રગોમાં વહેતું સંગીત
મને સંભળાય છે,
એક વૃક્ષના પાનખરમાં,
એક પક્ષીના કલરવમાં,
સાગરના મોજાંના ઉછાળમાં,
પ્રકૃતિના ખોળામાં હું શોધતો રહું છું હૂંફ.
મારી લાગણીઓ,
આ ચારણી સાહિત્યના રંગો જેવી છે,
જ્યાં જોશ છે, લય છે,
અને શબ્દોમાં સમાયેલો ઇતિહાસ.
દરેક ઉદબોધન મારું,
એક સંદેશ બની ગુંજે છે
કાળના અનંત આકાશમાં.
આ દુનિયા, ભવિષ્યની ચિંતાઓમાં ઘેરાયેલી,
ક્યાંક યુદ્ધના ભણકારા,
ક્યાંક પર્યાવરણનો પોકાર.
મારું સર્જન એ માર્ગદર્શન બને,
જે ભયને ભેદીને આશાનો દીપ પ્રગટાવે,
અને કહે, હે માનવ!
પ્રેમ જ પરમ સત્ય છે,
કરુણા જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે.
આપણે સૌ એક છીએ,
આ ધરતીના સંતાન.
ચાલો, હાથમાં હાથ મિલાવીને
એક સુમધુર સંગીત રેલાવીએ,
જ્યાં કોઈ ભેદ ન હોય,
ફક્ત માનવતાનો જયઘોષ હોય.
આ મારું સપનું છે,
આ મારું સર્જન છે,
અને આ જ મારી વાચા છે,
આ પ્રકૃતિને, આ વિશ્વને "સ્વયમ્'ભૂ" તરફથી..
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"